પાકિસ્તાનના બેટ્સમેન ફખર ઝમાન પાકિસ્તાન સુપર લીગ મેચમાં બોલ ટેમ્પરિંગના દોષિત સાબિત થયા હતા. ઝમાન પર બે મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ૩ એપ્રિલના રોજ પુષ્ટિ કરવામાં આવ્યો હતો, જ્યારે પીએસએલની અપીલ સંસ્થાએ તેમની અપીલ ફગાવી દીધી હતી. બોલની સ્થિતિ બદલવા બદલ તેમના પર પીએસએલ આચાર સંહિતાના લેવલ ૩ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બે મેચના પ્રતિબંધ છતાં, લાહોર કલંદર્સે તેમને ટીમમાંથી દૂર કર્યા ન હતા અને હવે તેમને નવી ભૂમિકા સોંપી છે. લાહોર ટીમે તેમને જાળવી રાખ્યા છે.
ધ સન્ડે ગાર્ડિયનના અહેવાલ મુજબ, લાહોર કલંદર્સે ફખર ઝમાનને તેમના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. લાહોર કલંદર્સે ફખરને ટીમ સાથે અલગ રીતે સંકળાયેલા રાખવાનો નિર્ણય લીધો હતો. તેમના સસ્પેન્શન દરમિયાન, તેમણે ૩ એપ્રિલે લાહોરમાં મુલ્તાન સુલ્તાન સામેની મેચ દરમિયાન લાહોર ટીમ માટે કામચલાઉ મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, ફખરે તે મેચનો હવાલો સંભાળ્યો હતો, જાકે લાહોરના નિયમિત કોચ રસેલ ડોમિંગોએ આ ભૂમિકા કેમ ન સંભાળી તે અંગે કોઈ સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી નથી.
ફખર ઝમાન તેમના પ્રતિબંધને કારણે મુલ્તાન સુલ્તાન સામેની મેચ ચૂકી ગયો. તે ૯ એપ્રિલે ઇસ્લામાબાદ યુનાઇટેડ સામેની મેચ પણ ચૂકી જશે. ૧૧ એપ્રિલે પેશાવર ઝાલ્મી સામેની મેચ માટે તે પરત ફરે તેવી અપેક્ષા છે. વરસાદને કારણે લાહોર-મુલ્તાન મેચ ફક્ત ૧૩ ઓવરની થઈ ગઈ. પ્રથમ બેટિંગ કરતા લાહોરે ૫ વિકેટ ગુમાવીને ૧૮૫ રન બનાવ્યા હતા. જવાબમાં, મુલ્તાન સુલ્તાન્સ ૧૩ ઓવરમાં ફક્ત ૧૬૫ રન જ બનાવી શક્યું અને ૨૦ રનથી મેચ હારી ગયું. ફખર ઝમાનની ગેરહાજરીમાં શાહીન આફ્રિદીએ લાહોરની કેપ્ટનશીપ કરી.










































