ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે અને નેતાઓના પક્ષપલટાની મોસમ ખીલી છે. પરંતુ સ્થાનિક રાજકારણમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે પક્ષપલટાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે! વડવા ‘બ’ વોર્ડના ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહેલે માત્ર ત્રણ જ કલાકમાં બે વાર પક્ષ બદલીને ભારે રાજકીય હડકંપ મચાવી દીધો છે. તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જાડાયા અને ગણતરીની કલાકોમાં જ ‘ઘરવાપસી’ કરીને ફરી ભાજપનો ખેસ પહેરી લીધો છે.
જ્યારે સેજલબેન ગોહેલ ભાજપ છોડીને કોંગ્રેસમાં જાડાયા, ત્યારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી. હું પોતે નગરસેવિકા હોવા છતાં મારા પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી મને કોઈ જ રક્ષણ મળ્યું નહોતું. જા એક નગરસેવિકા સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલાઓનું શું?”
તેમણે એવો પણ રોષ ઠાલવ્યો હતો કે તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અને બુટલેગરોના ત્રાસ વિરુદ્ધ તેમણે અવાજ ઉઠાવ્યો હોવા છતાં ભાજપે તેમને કોઈ સાથ આપ્યો નહોતો.
જાકે, કોંગ્રેસમાં જાડાવાનો આ ઉત્સાહ માંડ બે કલાક જ ટકી શક્્યો. કોંગ્રેસના મંચ પરથી ભાજપની આકરી આલોચના કર્યાની ગણતરીની કલાકોમાં જ સેજલબેન ફરીથી ભાજપના શરણે પહોંચી ગયા હતા.
ભાજપમાં પરત ફરતાની સાથે જ સેજલબેને પોતાના સૂર બદલી નાખ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “મને મારી ભૂલ સમજાઈ એટલે હું ફરી ભાજપમાં પરત આવી ગઈ છું. કોંગ્રેસના આગેવાનો દ્વારા મને લાલચ આપીને ભરમાવવામાં આવી હતી. મને મારી ભૂલનો અહેસાસ થતાં જ મેં પાછી ઘરવાપસી કરી લીધી છે.