ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બે નાની બાળકીના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ દુર્ઘટનાએ પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે. મળતી માહિતી મુજબ, પરિવાર દ્વારા બે દિવસ પહેલા બજારમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું.
આ ખીરાથી બનાવેલા ઢોંસા બાળકોને ખવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘરના સભ્યોની તબિયત બગડવા લાગી. ઘટનામાં માત્ર ૩ મહિના અને ૪ વર્ષની બે બાળકીના મોત થયા છે, જ્યારે માતા-પિતા હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પરિવારના સભ્યોનો આરોપ છે કે ઢોંસા ખાધા બાદ જ બાળકોની તબિયત ખરાબ થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની છે. તેઓએ ખાદ્ય પદાર્થમાં કોઈ હાનિકારક તત્વ હોવાની શંકા વ્યક્ત કરી છે.
આ બનાવ અંગે સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ખીરું (બેટર)ના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવી શકે છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.