અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો જાવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ચાલી રહેલી સેન્સ પ્રક્રિયાનો આજે બીજા દિવસ રહ્યો. આ દરમિયાન મોટી સંખ્યામાં ઇચ્છુક ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરવા માટે અલગ-અલગ સ્થળોએ પહોંચ્યા હતા. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય ચહલપહલ અને ગતિવિધિઓ તેજ બની ગઈ હતી.
સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા આર કે રોયલ હોલ ખાતે આજે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. અહીં વોર્ડ નંબર ૦૧ ગોતા, વોર્ડ ૦૭ ઘાટલોડિયા, વોર્ડ ૦૮ થલતેજ અને વોર્ડ ૧૯ બોડકદેવ સહિતના વિસ્તારોના દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. ઉમેદવારો પોતાના વિકાસ કાર્યો, સંગઠન સાથેના જાડાણ અને સ્થાનિક સ્તરે પોતાની લોકપ્રિયતા વિશે વિગતવાર રજૂઆત કરી રહ્યા હતા.
આ સાથે જ સમગ્ર અમદાવાદ શહેરમાં આજે કુલ ૭ અલગ-અલગ સ્થળોએ સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી. પક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની પેનલ ઇચ્છુક ઉમેદવારોને એક પછી એક સાંભળી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ દરેક વોર્ડ માટે મજબૂત, લોકપ્રિય અને જીતવા સક્ષમ ઉમેદવારની પસંદગી કરવાનો છે.
આ સમગ્ર પ્રક્રિયામાં ત્રણ નિરીક્ષકોની પેનલ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ પેનલમાં સાંસદ રાજેશ ચુડાસમા, હર્ષ દવે અને ભાનુબેન બાબરીયાનો સમાવેશ થાય છે. પેનલ દ્વારા દરેક ઉમેદવારની રાજકીય પૃષ્ઠભૂમિ, જનસંપર્ક, સંગઠન પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતાનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
નિરીક્ષક અને સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના ચાર વોર્ડ માટે હાલમાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. દાવેદારોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે અને અમે તમામ દાવેદારોને વિગતવાર સાંભળી રહ્યા છીએ. જે નામો યોગ્ય લાગશે, તેની સ્ક્રૂટિની કરીને ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.” –
તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “દાવેદારોમાં જે ઉત્સાહ જાવા મળી રહ્યો છે, તેને જાતા એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં ભાજપની જીત નિશ્ચિત છે.”
ખાસ કરીને ઘાટલોડિયા વોર્ડ પર સમગ્ર શહેરની નજર ટકેલી છે. આ વોર્ડ રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અહીંથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. એટલું જ નહીં, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ જ વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હતા. આ વોર્ડમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ જાડાયેલો માનવામાં આવે છે.
હવે આગળ નજર રહેશે ભાજપની અંતિમ ઉમેદવાર યાદી પર. આ યાદી બાદ અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. શહેરના દરેક વોર્ડમાં ટક્કર અને રસપ્રદ રાજકીય મુકાબલો જાવા મળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.