ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની (પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન) ચૂંટણીઓ પહેલા રાજ્યનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક અત્યંત ગંભીર પત્ર લખીને સનસનાટી મચાવી દીધી છે. આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર ‘આપ’ના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવીને લોકશાહીનું ગળું દબાવી રહી છે. આ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા માટે અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને સાથે રાખીને રૂબરૂ મુલાકાત કરવા માટે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલનો સમય પણ માંગ્યો છે.
અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે, છેલ્લા ૪૮ કલાકમાં ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની કરવામાં આવેલી ધરપકડ પાછળ એક નિશ્ચિત પેટર્ન જાવા મળી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે, “પક્ષના કાર્યકરો જ્યારે રસ્તા પર જતા હોય ત્યારે અચાનક કેટલાક ગુંડાઓ દ્વારા તેમનો પીછો કરીને હુમલો અથવા ઝઘડો કરવામાં આવે છે. ત્યારબાદ આ જ ગુંડાઓ પોલીસને જાણ કરે છે અને ગણતરીની મિનિટોમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવી જાય છે અને અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરી લે છે. એવું લાગે છે કે ક્રાઈમ બ્રાન્ચવાળા તે ગુંડાઓના ફોનની જ રાહ જાઈને જ તે વિસ્તારમાં બેઠાં હોય. ક્રાઈમ બ્રાન્ચવાળા કોઈ પૂછપરછ કર્યા વગર એક તરફી કાર્યવાહી કરીને હુમલો કરનાર ગુંડાઓને છોડી મૂકે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ હવાલે કરે છે, જેઓ તેમની સામે ૩૦૭ (હત્યાનો પ્રયાસ) જેવી કલમો લગાવીને જેમને જેલમાં ધકેલી દે છે.” પત્રમાં ખંભાળિયા, પોરબંદર અને જામનગરના કિસ્સાઓનો ઉલ્લેખ કરીને આ સમગ્ર પ્રક્રિયાને ‘અગાઉથી પ્લાન કરેલું ષડયંત્ર’ ગણાવ્યું છે.