શહેરમાં ઓનલાઇન ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે દરિયાપુર વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવક સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઠિયાએ યુવકનો મોબાઇલ હેક કરીને તેના બેંક ઓફ બરોડાના ખાતામાંથી કોઈ પણ પ્રકારના ઓટીપી વગર ૨૪,૦૦૦ની રકમ બારોબાર ટ્રાન્સફર કરી લીધી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
દરિયાપુરના પઠાણવાડામાં રહેતા ૪૩ વર્ષીય મોહંમદ સાકીર મોહંમદ સિરાજ શેખ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ રમઝાન ઈદના તહેવાર નિમિત્તે પુત્ર માટે કપડાં ખરીદવા પૈસાની જરૂર હોવાથી તેમણે ગૂગલ-પે એપ દ્વારા પોતાનું બેંક બેલેન્સ ચેક કર્યું હતું. તે સમયે તેમના ખાતામાં માત્ર ૮૩૬ જ જાવા મળ્યા હતા, જ્યારે ખરેખર તેમાં ૨૪,૮૩૬ હોવા જાઈએ.ચોંકી ઉઠેલા મોહંમદ સાકીરે જ્યારે બેંકમાં જઈ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ તેમના ખાતામાંથી ૨૪,૦૦૦ની રકમ એક અજાણ્યા યુપીઆઇ આઇડી દ્વારા ફિનો પેમેન્ટ બેંકના ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. નવાઈની વાત એ છે કે આ વ્યવહાર માટે ફરિયાદીના મોબાઈલ પર કોઈ ઓટીપીઁ પણ આવ્યો ન હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યા શખ્સે તેમનો ફોન હેક કરીને એક્સેસ મેળવી આ છેતરપિંડી આચરી છે. ભોગ બનનારે આ અંગે સૌપ્રથમ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર જાણ કરી ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા યુપીઆઇ આઈડી અને ફિનો બેંકના ખાતાધારક વિરુદ્ધ બીએનએસની કલમ ૩૧૮(૨) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટની કલમ ૬૬-ડી હેઠળ ગુનો નોંધ્યો છે.