અનિતા અડવાણીએ રાજેશ ખન્ના સાથેના તેમના સંબંધો અંગે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે તેને ફગાવી દીધી હતી. જ્યારે અનિતાને મોટો ઝટકો લાગ્યો હતો, ત્યારે ડિમ્પલ અને અક્ષયે રાહતનો શ્વાસ લીધો હતો.
બોમ્બે હાઈકોર્ટે અભિનેત્રી અનિતા અડવાણી દ્વારા સ્વર્ગસ્થ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથેના તેમના સંબંધોને લગ્નનો દરજ્જા આપવાની માંગ કરતી અપીલ ફગાવી દીધી હતી. જસ્ટિસ શર્મિલા દેશમુખે દિંડોશી કોર્ટના અગાઉના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં અનિતા અડવાણીના સિવિલ દાવોને ટેકનિકલ આધાર પર ફગાવી દેવામાં આવ્યો હતો. આ ડિમ્પલ કાપડિયા અને અક્ષય કુમારને મોટી રાહત આપે છે.
અનિતા અડવાણી અને રાજેશ ખન્નાના પરિવાર વચ્ચેનો આ વિવાદ ૨૦૧૨ માં સુપરસ્ટારના મૃત્યુથી ચાલી રહ્યો છે. ૨૦૧૭ માં, દિંડોશી સિવિલ કોર્ટે અડવાણીના દાવાને ફગાવી દીધો હતો, જેને પડકારતા તેમણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઇકોર્ટમાં અનિતા અડવાણીના વકીલ અને ડિમ્પલ કાપડિયા, અક્ષય કુમાર અને ટીવંકલ ખન્નાનું પ્રતિનિધિત્વ કરતા વકીલો વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. બધા પક્ષોને સાંભળ્યા પછી, કોર્ટે એક ટૂંકો આદેશ જારી કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, “પહેલી અપીલ ફગાવી દેવામાં આવે છે.”
અનિતા અડવાણીએ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડિમ્પલ કાપડિયા અને તેના પરિવાર સામે ઘરેલુ હિંસાનો ફોજદારી કેસ પણ દાખલ કર્યો હતો. તેણીએ દાવો કર્યો હતો કે તે રાજેશ ખન્ના સાથે તેમના બંગલા, આશીર્વાદમાં લિવ-ઇન રિલેશનશિપમાં હતી, પરંતુ સુપરસ્ટારના મૃત્યુ પછી તેને બળજબરીથી કાઢી મૂકવામાં આવી હતી. અડવાણીએ દલીલ કરી હતી કે તેમના સંબંધોને લગ્નનું સન્માન અને કાનૂની રક્ષણ મળવું જાઈએ.
૨૦૧૫ માં, બોમ્બે હાઇકોર્ટની સંકલન ખંડપીઠે આ કેસમાં ડિમ્પલ કાપડિયા અને તેના પરિવાર સામેની ઘરેલુ હિંસાની કાર્યવાહી રદ કરી હતી. તે સમયે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અનિતા અડવાણીનો રાજેશ ખન્ના સાથેનો સંબંધ ઘરેલું હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ, ૨૦૦૫ હેઠળ લગ્નના સ્વરૂપમાં નહોતો.
કોર્ટે ઠરાવ્યું હતું કે રાજેશ ખન્નાએ ક્યારે ઔપચારિક રીતે ડિમ્પલ કાપડિયાને છૂટાછેડા આપ્યા ન હોવાથી, બીજી મહિલા સાથેના તેમના સંબંધને કાયદેસર રીતે લગ્ન ગણી શકાય નહીં. બુધવારનો ચુકાદો ફરી એકવાર ખન્ના પરિવારના કેસને મજબૂત બનાવે છે અને અડવાણીની લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈને મોટો ફટકો આપે છે. આ નિર્ણય સાથે, સુપરસ્ટારના વારસા અને મિલકત પર અડવાણીનો કાનૂની દાવો લગભગ સમાપ્ત થઈ ગયો છે.















































