જિલ્લામાં ધર્મ અને આસ્થા સાથે જાડાયેલી વિધિઓના નામે લોકો સાથે આર્થિક લૂંટ કરતી છેતરપિંડી ગેંગનો અમરેલી એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. બીમારી દૂર કરવા, દુઃખ-દર્દ નાશ કરવા તેમજ ઘરમાં સુખ-શાંતિ લાવવાની વાતો કરી લોકોની જાગૃતિના અભાવનો લાભ લઈને લાંબા સમયથી છેતરપિંડી કરી રહેલા રાજકોટના ૩ શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે.
અમરેલી એલસીબી પોલીસે આ ગેંગના કુલ ૨૦ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે, જે પોલીસ માટે મોટી સફળતા ગણાય છે. આરોપીઓ લોકોના ઘરમાં બીમારી, અશાંતિ કે દુર્ભાગ્ય હોવાનું કહી ભયનો માહોલ ઉભો કરતા અને ખાસ ધાર્મિક વિધિ કરવી જરૂરી હોવાનું સમજાવી લોકો પાસેથી કિંમતી સામગ્રી મેળવી લેતા હતા.
પોલીસે પકડાયેલા આરોપીઓના નામ જેમાં ભરત લકુમ, રમેશ લકુમ અને ઉપેન્દ્ર લકુમ જેઓ રાજકોટના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી ન્ઝ્રમ્ પોલીસે તેમની પાસેથી રોકડ રકમ, સોનાના દાગીના સહિત કુલ અઢી લાખ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.
“આ આરોપીઓએ અમરેલી, મોરબી, જામનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ધાર્મિક વિધિ અને પૂજાપાઠના નામે લોકો પાસેથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના પડાવી લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખાસ કરીને વડિયા પંથક સહિત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર આ ગેંગ દ્વારા આવી છેતરપિંડી કરવામાં આવી હતી.
એલસીબી પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં અન્ય જિલ્લાઓમાં પણ ગુનાઓ કરેલા હોવાની શક્યતા નકારી શકાતી નથી. પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે કોઈ પણ વ્યકિત ધાર્મિક વિધિ કે ચમત્કારના નામે લાલચ આપે તો સાવચેત રહે અને તરત જ નજીકની પોલીસને જાણ કરે.
અમરેલી એલસીબીની આ કામગીરીથી ધર્મના નામે લોકોની આસ્થા સાથે રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને જિલ્લામાં પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.




































