ગુજરાતના દાહોદ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ કર્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે, છેલ્લા ચાર વર્ષમાં રાજ્યના સૌથી નાના તાલુકામાં વસવાટ કરતી ૨૭૩૧ની વસ્તી ધરાવતા ગામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને પર્દાફાશ છતાં સરકારે કોઈ પગલું લીધું નથી.
ચાવડાએ જણાવ્યા પ્રમાણે, મનરેગા યોજના મુજબ ૬૦ ટકા રકમ મજૂરો માટે અને ૪૦ ટકા મટીરીયલ માટે ઉપયોગ થવો જાઈએ, પણ જાંબુઘોડામાં છેલ્લાં ચાર વર્ષમાં આનો વિરુદ્ધ ઉપયોગ થયો છે. તેમના જણાવ્યા અનુસાર માત્ર ૨૨ ટકા રકમ મજૂરોને ચુકવવામાં આવી છે. જ્યારે બાકીના ૭૮ ટકા મટીરીયલ ખર્ચમાં બતાવવામાં આવ્યા છે. સમગ્ર જાંબુઘોડા તાલુકામાં રૂ. રૂ. ૨૯૩ કરોડનું મટિરીયલ ખર્ચ દર્શાવવામાં આવ્યું છે, જે જિલ્લામાં થયેલા કુલ ખર્ચનો આશરે ૫૦ ટકા છે.
તેમણે ગુસ્સા સાથે પ્રશ્ન કર્યો કે, જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દાવો કરે છે કે ચોખ્ખી અને જવાબદાર સરકાર આપો છો, ત્યારે આવા ભ્રષ્ટાચારના મામલા વિકાસ કમિશનર અથવા દિશા બેઠકમાં કેમ ધ્યાન પર આવ્યા નહીં? દિશા બેઠક દર ત્રણ મહિને થાય છે છતાં આવા મોટાં આંકડાઓ છૂપાવાયા કેમ?
ચાવડાએ જણાવ્યું કે જે એજન્સીઓ મટીરીયલ સપ્લાય કરે છે, તેમા ભાજપના અગ્રણી નેતાઓ તથા તેમના પરિવારજનો સંડોવાયેલા છે. એક એજન્સી ગિરિરાજ એજન્સી છે જે ભાજપના દાહોદ જિલ્લા પ્રમુખ મયંક કુમાર દેસાઇ ચલાવે છે. બીજી એજન્સી તેમના પત્ની સાથે સંકળાયેલી છે, જ્યારે ત્રીજી એજન્સીમાં પૂર્વ ડ્રાઈવર સંડોવાયેલ છે.
ચાવડાએ વધુ કહ્યું કે, જાંબુઘોડા ગામમાં મનરેગા હેઠળ કુલ ૨૦૪૦ કામો દાખલ કરાયા છે, પરંતુ માત્ર ૪૭ લાખ રૂપિયાનું લેબર પેમેન્ટ થયું છે. કામ ઓછું થયું છે, પણ તેના વિરુદ્ધ ભારે બિલો રજૂ કરીને નાણાકીય ફાયદો લેવામાં આવ્યો છે.
તેમણે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પડકાર ફેંકતા કહ્યું કે જા ખરેખર એ ચોખ્ખી અને જવાબદાર સરકાર છે તો તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ કરવી જાઈએ. તેમને એ પણ જણાવ્યું કે જે લોકો આ કૌભાંડમાં જવાબદાર છે તેમને કાયદા મુજબ સજા મળી જાઈએ અને “જેલના સળિયા પાછળ ધકેલવા જાઈએ.”
ચાવડાએ એ પણ ઉમેર્યું કે, ૨૬ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ પ્રવાસે આવવાના છે ત્યારે આ ભ્રષ્ટાચાર મુદ્દો તેમના ધ્યાનમાં આવવો જરૂરી છે. લોકશાહી અને ન્યાય માટે આ મુદ્દે જાહેરપણે જવાબદારી નક્કી થવી જાઈએ.









































