‘ઓપરેશન સિંદૂર’ પછી, ગુજરાત કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર કંઈક એવું પોસ્ટ કર્યું છે જે વિવાદાસ્પદ બની શકે છે. તેમણે લખ્યું, ‘યુદ્ધ ફેલાવનારાઓ, ધાર્મિક દ્વેષ અને નકલી રાષ્ટ્રવાદ સામે લડો.’ આતંક ભૂખથી મરી જશે. જાકે, મેવાણીએ બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
આ પહેલા જિગ્નેશ મેવાણીએ જમ્મુ અને કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નૌકાદળના અધિકારી વિનય નરવાલની પત્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, “અમને નફરત નથી જાઈતી, અમને ન્યાય જાઈએ છે. શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીનું આ નિવેદન આખા દેશ માટે સંદેશ છે.” તેમણે કહ્યું કે જ્યારે પીડા ખૂબ ઊંડી હોય અને છતાં પણ કોઈ નફરતની વાત ન કરે પણ ન્યાયની વાત કરે, ત્યારે આપણે સમજવું પડશે કે આતંકનો જવાબ નફરત નહીં પણ સંગઠિત ન્યાય અને મજબૂત વ્યવસ્થા છે.
મેવાણીએ લખ્યું હતું કે, “અમે શહીદોને સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારો સાથે છીએ અને અમે પૂછીશું કે આ ભૂલ કેમ થઈ? અને ક્્યાં સુધી નિર્દોષ લોકો આ રીતે પોતાના જીવનું બલિદાન આપતા રહેશે?” તમને જણાવી દઈએ કે વિનય નરવાલની પત્ની હિમાંશીએ કહ્યું હતું કે, “કાશ્મીરીઓ કે મુસ્લિમોને નફરત ન કરો, અમને ફક્ત ન્યાય જાઈએ છે.” આ પછી, તેમને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે બદલો લીધો છે . ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ હવાઈ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. મોડી રાતના આ હુમલા બાદ બુધવારે ભારતના લોકો ખુશ છે. આ હવાઈ હુમલા પર, રાજકીય પક્ષોના નેતાઓએ ‘ભારત માતા કી જય’ લખીને ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી.