૨૦ એપ્રિલના રોજ રાહુલ ગાંધીએ તેમના યુએસ પ્રવાસ દરમિયાન મહારાષ્ટ્ર ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચૂંટણી પંચે મંગળવારે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.
કમિશને જણાવ્યું હતું કે, ‘ભારતમાં જે પ્રમાણમાં અને ચોકસાઈથી ચૂંટણીઓ યોજવામાં આવે છે તેની વિશ્વભરમાં પ્રશંસા થાય છે. આખો દેશ જાણે છે કે સરકારી કર્મચારીઓ મતદાર યાદી તૈયાર કરવા, મતદાન કરવા અને મતગણતરી સહિતની દરેક ચૂંટણી પ્રક્રિયામાં સામેલ હોય છે. કમિશનને બદનામ કરવાનો પ્રયાસ સંપૂર્ણપણે વાહિયાત છે.’
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં છેતરપિંડીથી મતદારો ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પાંચ વર્ષમાં ૩૨ લાખ મતદારો ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે પાંચ મહિના પછી, વિધાનસભા ચૂંટણી માટે ૩૯ લાખ મતદારો ઉમેરવામાં આવ્યા હતા.
આ વર્ષે ફેબ્રુઆરીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગોટાળા થયા છે. ભાજપ જીતી શકે તે માટે મતદાર યાદીમાં નવા મતદારો ઉમેરવામાં આવ્યા. રાહુલે ચૂંટણી પંચ પાસેથી મતદારોનો ડેટા માંગ્યો હતો.
કોંગ્રેસના સાંસદે કહ્યું હતું કે, ‘અમે ચૂંટણી પંચને આની તપાસ કરવા કહ્યું છે. અમે મતદાર યાદી, નામ અને સરનામા માંગ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે તેમના ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવે. અમને લોકસભા અને વિધાનસભાની મતદાર યાદી જાઈએ છે. ઘણા મતદારોના નામ પણ કાઢી નાખવામાં આવ્યા છે. આ દલિત, લઘુમતી મતો છે. હું કોઈ આરોપ નથી લગાવી રહ્યો, પણ કંઇક ગોટાળો છે.’
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘કોઈપણ વ્યક્તિ દ્વારા ખોટી માહિતી ફેલાવવી એ ફક્ત કાયદાના અનાદરની નિશાની નથી. તે તેમના રાજકીય પક્ષમાંથી નિયુક્ત થયેલા હજારો પ્રતિનિધિઓને પણ બદનામ કરે છે. આવા નિવેદનો ચૂંટણી દરમિયાન અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી કર્મચારીઓના મનોબળને નિરાશ કરે છે. મતદારો દ્વારા કોઈપણ પ્રતિકૂળ ચુકાદા પછી ચૂંટણી પંચ સાથે ચેડા થયાનું કહીને તેને બદનામ કરવાનો કોઈપણ પ્રયાસ સંપૂર્ણપણે વાહિયાત છે.’
ચૂંટણી પંચે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં મતદાર યાદી જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અને મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦ મુજબ તૈયાર કરવામાં આવે છે. કાયદા અનુસાર, મતદાન યાદીઓ ચૂંટણી પહેલા અથવા દર વર્ષે એક વાર સુધારવામાં આવે છે. મતદાર યાદીની અંતિમ નકલ તમામ રાષ્ટ્રીય/રાજ્ય રાજકીય પક્ષો (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિત) ને સુપરત કરવામાં આવે છે.’
પંચે કહ્યું, ‘દેશમાં બધી ચૂંટણીઓ કાયદા મુજબ જ થાય છે. ભારતમાં જે પ્રમાણમાં અને ચોકસાઈથી ચૂંટણીઓ યોજવામાં આવે છે તેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થાય છે. આખો દેશ જાણે છે કે મતદાર યાદી તૈયાર કરવા, મતદાન કરવા અને મત ગણતરી સહિતની દરેક ચૂંટણી પ્રક્રિયા સરકારી કર્મચારીઓ દ્વારા જ ગોઠવવામાં આવે છે. આ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા નિયુક્ત અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં થાય છે અને મતદાન મથકથી લઈને મતવિસ્તાર સ્તર સુધી તેનું પાલન કરવામાં આવે છે.