ધોરાજી તાલુકાના તોરણીયા ગામના લોકોએ તેમના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ગામના સરપંચ અંકિતભાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં ગામના ઘણા સમયથી અટકેલા પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી સામે ધરણાં કરવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તોરણીયા ગામમાં રાહત કામગીરીનો પગાર ચૂકવણી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગામના અન્ય વિકાસના કામો પણ અટકી પડેલા છે. જેના કારણે ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થઈને સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક ધોરણે પડતર પ્રશ્નો હલ કરવાની માંગણી કરી હતી. આ ઘટના અંગે ધોરાજી તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને તોરણીયા ગામના પડતર પ્રશ્નો અંગે જાણકારી મળી છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા ગામ લોકોના પ્રશ્નોનું કેટલું જલ્દી નિરાકરણ લાવવામાં આવે છે.