મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને મળ્યા. આ દરમિયાન શિવસેના યુબીટીના નેતાઓ સંજય રાઉત, પ્રિયંકા ચતુર્વેદી, અરવિંદ સાવંત અને સંજય દિના પાટિલ હાજર હતા.
કેજરીવાલને મળ્યા બાદ આદિત્ય ઠાકરેએ કહ્યું, ‘અરવિંદ કેજરીવાલે ૧૦ વર્ષમાં ઘણું કામ કર્યું છે જે જનતા જાણે છે. ભાજપને ચૂંટણી પંચનો આશીર્વાદ હતો, તેથી ભાજપે ચૂંટણી પંચનો આભારી રહેવું જાઈએ. ઘણી જગ્યાએ મત કાપવામાં આવ્યા, ચૂંટણી પંચે લોકો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લીધો છે. આજે આપણા દેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ થતી નથી.
આપ નેતા આતિશીએ વીજળી પર પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે દિલ્હીમાં વીજળી કાપનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે ભાજપ પર જારદાર પ્રહારો કર્યા. તેમણે કહ્યું, ‘દિલ્હીમાં ભાજપ સરકાર આવતાની સાથે જ વીજ વ્યવસ્થા બરબાદ થઈ ગઈ હતી. વીજળી કાપથી પરેશાન દિલ્હીવાસીઓએ ઇન્વર્ટર ખરીદવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીના લોકો સ્વીકારી રહ્યા છે કે તેમણે આ ચૂંટણીમાં ભૂલ કરી હતી અને તેથી જ ભાજપ સરકારને સત્તામાં લાવી.
આતિશીએ કહ્યું, ‘ભાજપ ૧૯૯૩ થી ૧૯૯૮ સુધી દિલ્હીમાં સત્તામાં હતું અને તે સમયે પણ વીજ વ્યવસ્થા ખરાબ હતી. માત્ર ત્રણ દિવસમાં, ભાજપે દિલ્હીને ઉત્તર પ્રદેશમાં ફેરવવાનું શરૂ કરી દીધું છે અને ત્યાંની જેમ લાંબા વીજકાપ લાદવાનું શરૂ કરી દીધું છે. ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પણ વીજળી કાપ અંગે ઘણી ફરિયાદો કરી છે.