કાનપુરમાં શુક્રવારના રોજ એટલે કે, જુમાના દિવસે થયેલી હિંસા મામલે પોલીસે પ્રખ્યાત રેસ્ટોરા બાબા બિરયાનીના માલિક મુખ્તાર બાબાને કસ્ટડીમાં લીધા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે મુખ્તાર બાબાએ હિંસાના મુખ્ય આરોપી જફર હયાત હાશમીને ફંડ આપ્યું હતું.
મુખ્તાર બાબા સામે અનેક ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. એસઆઈટી દ્વારા ટૂંક સમયમાં જ આ મામલે અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન હિંસાના માસ્ટરમાઈન્ડ જફર હયાત હાશમીએ અનેક મોટા નામ જાહેર કર્યા હતા. તેમાં બાબા બિરયાનીનું નામ ક્રાઉડફન્ડિંગમાં સામેલ હતું.
બાબા બિરયાનીએ પથ્થરમારા માટે બોલાવવામાં આવેલા લોકોની ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી તથા ફન્ડિંગમાં પણ મદદ કરી હતી. ઉપરાંત શત્રુ સંપત્તિ તથા પ્રાચીન મંદિરના હિસ્સાઓ પર કબજા જમાવીને ત્યાં બિરયાનીની દુકાન ખોલવા મામલે પણ તેમનું નામ સામે આવ્યું હતું.
ગત ૩ જૂનના રોજ જુમાની નમાજ બાદ કાનપુર ખાતે જૂથ અથડામણ થઈ હતી અને હિંસા ભડકી ઉઠી હતી. દુકાનો બંધ કરાવવા મુદ્દે વિવાદની શરૂઆત થઈ હતી તથા બાદમાં બંને પક્ષ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હિંસા દરમિયાન તોફાની તત્વોએ પેટ્રોલ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૩ લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે તથા ૫૭ લોકોને જેલમાં મોકલવામાં આવેલા છે.