કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતા વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મોગાથી પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. રાહુલ ગાંધી ૩ જાન્યુઆરીએ મોગામાં પ્રથમ ચૂંટણી રેલી સાથે પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ આપશે. એવું માનવામાં આવે છે કે, આ રેલી મોગાના કિલ્લી ચહલન ગામમાં યોજાશે, જ્યાં સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ રેલીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કેબિનેટ મંત્રી ભારત ભૂષણ આશુએ કહ્યું કે, રેલી ૩ જાન્યુઆરીએ પ્રસ્તાવિત છે. મોગા પંજાબનું કેન્દ્ર છે, તેથી રેલી અહીંથી શરૂ થશે. કિલ્લી ચહલનની વિશેષતા એ છે કે, તે માઝા, માલવા, દોઆબાથી સરળતાથી પહોંચી શકાય છે, તેથી અમે અહીંથી પ્રથમ રેલી કરીશું.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં પણ રાહુલ ગાંધીએ પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી રેલીની શરૂઆત મોગામાં કિલ્લી ચહલનથી કરી હતી. હાલમાં જ શિરોમણી અકાલી દળે પણ પોતાની પાર્ટીના ૧૦૦ વર્ષ પૂરા થવા પર આ જ જગ્યાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.મોગાના ધારાસભ્ય ડો. હરજા કમલે જણાવ્યું હતું કે, કિલ્લી ચહલાનમાં એક વિશાળ જગ્યા સરળતાથી ખાલી છે, જ્યાં રેલી માટે જરૂરી વ્યવસ્થા સરળતાથી કરી શકાય છે. એટલા માટે આ જગ્યાને ફરીથી પસંદ કરવામાં આવી છે. અમને આશા છે કે, લગભગ એક લાખ લોકો રેલીમાં ભાગ લેવા અહીં આવશે.