સુરતના કતારગામ વિસ્તારમાંથી ઝડપાયેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ મસમોટા કૌભાંડમાં સંડોવાયેલા આઠમા આરોપીની ધરપકડ કરી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અત્યાર સુધીમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.
સુરતના કતારગામ વિસ્તારમાં થોડા દિવસ પહેલા સાયબર ક્રાઇમ પોલીસે દરોડા પાડીને મુખ્ય સૂત્રધાર મીત શાહની ધરપકડ કરી હતી. મીત શાહની તપાસ દરમિયાન તેની પાસેથી કુલ ૧૪૯ બેન્ક ખાતા મળી આવ્યા હતા. આ ખાતાઓ દ્વારા આશરે ૮૦૦ કરોડ રૂપિયાના શંકાસ્પદ સાયબર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું.
કતારગામમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન પોલીસને સ્થળ પરથી લેપટોપ, મોબાઈલ ફોન અને અનેક બેન્ક ચેકબુક મળી આવી છે. આ ટોળકી દ્વારા સંચાલિત ૧૪૯ જેટલા વિવિધ બેન્ક એકાઉન્ટ્‌સ મળી આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે ૮૦૦ કરોડ જેટલી માતબર રકમના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું ખૂલ્યું હતું.એનસીઆરપી પર આ એકાઉન્ટ્‌સ વિરુદ્ધ દેશભરમાંથી કુલ ૪૦૨ ફરિયાદો નોંધાયેલી છે. આટલી મોટી સંખ્યામાં ફરિયાદો અને ટ્રાન્ઝેક્શન્સ સૂચવે છે કે આ સાયબર નેટવર્ક અત્યંત વ્યવસ્થિતિ  રીતે આખા દેશમાં ફેલાયેલું હતું.
આ ગુનામાં સંડોવાયેલ પાટણના વાગડોદ ગામના રહેવાસી કરણ ઉર્ફે દ્વારકેશ દેસાઈની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, કરણે એમએસસી આઇટી સુધીનો અભ્યાસ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં મીત શાહ સહિત કુલ ૮ શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં મીત શાહ, યશ શીંદે, ઋષિકેશ સોલંકી, નિલશ સોલંકી, પરેશ મોદી જતીન ઠક્કર, દીપ ઠક્કર અને કરણ ઉર્ફે દ્વારકેશ દેસાઈની ધરપકડ કરી છે
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કરણ અગાઉ પકડાયેલા આરોપી જતીન સાથે બેંગકોક અને વિયેતનામમાં રહેતો હતો. ત્યાંથી તે અલગ-અલગ બેટિંગ વેબસાઈટ્‌સ પાસેથી ફંડ મેળવતો હતો અને આ નાણાંને મ્યુલ એકાઉન્ટ્‌સમાં ટ્રાન્સફર કરતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ રેકેટના તાર વિદેશો સાથે જાડાયેલા છે. અગાઉ પકડાયેલ આરોપી જતીન ઉર્ફે જાન રેપર ઠક્કર બેંગકોક અને વિયેતનામમાં રહીને બીઆઇજી,આઇડીઇએ,ઓપીએસ જેવી ૫૦થી વધુ ઓનલાઇન બેટિંગ સાઇટ્‌સનું સંચાલન કરતો હતો. આ સાઇટ્‌સ પરથી આવતા પૈસાને ઠેકાણે પાડવા માટે તેણે ખાસ પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું.
કરણે જતીન પાસેથી દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી મેળવી હતી. ત્યારબાદ તેણે આ ફ્રેન્ચાઇઝી મીત શાહને કામ કરવા માટે આપી હતી. મીત શાહ પોતાની પાસે આવતું ફંડ આ ચોક્કસ આઈડીમાં ટ્રાન્સફર કરતો હતો. સુરત સાયબર ક્રાઇમ પોલીસે કરણ ઉર્ફે દ્વારકેશને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય વ્યવહારોની ઊંડી તપાસ કરવા માટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન હજુ પણ મોટા નામો અને અન્ય આંતરરાષ્ટ્રીય  લિંક્સ સામે આવે તેવી શક્્યતા છે.