શહેરની નામચીન પ્રાઈવેટ કંપનીમાં કરોડોની ટેક્ષ ચોરીની પર્દાફાશ થયો છે. કંપનીએ સતત ૬ વર્ષ સુધી ટેક્ષ ચોરી કરી સરકારને અંદાજીત ૨૮.૨૦ કરોડનો ચૂનો ચોપડ્યો છે. આટલું જ નહીં, આ કંપનીના નામે રહેલી મિલકતો સરકાર જપ્ત ન કરી શકે તે માટે કંપનીના ડાયરેક્ટરોએ પહેલાથી જ પોતાની તમામ મિલકતો કોઈ અન્ય વ્યક્તિને વેંચી દેધી છે. જે બાબતે કંપનીના રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લા સેવા સદનમાં સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી ખાતે ફરજ બજાવનારા ૩૫ વર્ષીય સંદીપ ચાવડા નામના રાજ્ય વેરા અધિકારીએ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર બાયપાસ સર્કલ પાસે આવેલા ઇગલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની વેટ કાયદા મુજબ તેમજ સીએસટી કાયદા મુજબ નોંધણી કરાવવામાં આવી હતી. જેના ડાયરેક્ટરોએ મિલિભગતથી આ ટેક્ષ ચોરીને અંજામ આપ્યો છે.
વેટ કાયદા તેમજ સીએસટી કાયદા મુજબ નોંધયેલી આ કંપનીએ વેરા રૂપે નાણાકીય વર્ષ ૨૦૦૮ – ૦૯થી ૨૦૧૪-૧૫ના વર્ષનો આકારણી વેરો ગુજરાત સરકારને ભરવાનો થતો હોય તે વેટ ૨૮,૧૦,૪૮,૦૩૫ રૂપિયા તેમજ કેન્દ્ર સરકારને ભરવાનો થતો સીએસટી ૧૦,૪૨,૩૮૮ રૂપિયા તેમજ આજ દિવસ સુધીનું ચડત વ્યાજ સુધીની રકમ ટેક્ષ રૂપે સરકારમાં ભરી નથી. જેની જાણ થતા સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરીએ તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન સરકાર દ્વારા જે રકમનું લેણું નીકળે છે તે બાબતે કંપની ડાયરેક્ટરોને અનેક વખત આકારણી આદેશ તેમજ માંગણા નોટિસ મોકલવામાં આવી હતી. જાકે કંપની તરફથી આ નોટીસોનો કોઈ યોગ્ય જવાબ ન મળતા,સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરીએ કંપનીની પ્રોપર્ટી જપ્ત કરવાનું વિચાર્યું. પરંતુ આ કાર્યવાહી થાય તે પહેલા જ ચોંકાવનારા ઘટસ્ફોટ થયો છે કે, ‘પોતાની પ્રોપર્ટીઓ સરકાર હસ્તગત ન કરી શકે તે માટે કંપનીના ડાયરેક્ટરોએ તે પ્રોપર્ટીને અન્યને વેચાણ કરી દીધી છે.
આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે કંપનીના ડાયરેક્ટરો મનીષ બાવરીયા, રસિકલાલ બાવરીયા, જયેન્દ્ર બાવરીયા, દિનેશ બાવરીયા તેમજ કંચનબેન બાવરીયા વિરુદ્ધ બીએનએસની કલમ ૩૧૬ (૨), ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ ૨૦૦૩ની કલમ ૮૫(૧), ૮૬(૨) તેમજ કેન્દ્રીય વેચાણ વેરા અધિનિયમની કલમ ૯(૨) મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બાવરીયા પરિવાર ઉદ્યોગજગતમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. ત્યારે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા શહેરભરમાં અનેક ચર્ચા ઊઠવા પામી છે. હાલ આ મામલે રાજકોટ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. સંબંધિત વ્યક્તિઓના નિવેદન નોંધવા સહિતની પ્રક્રિયા પણ હાલ હાથ ધરવામાં આવી છે.