અમદાવાદ શહેરની આન બાન શાન નગર દેવી ભદ્રકાળી માતાના થાળને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે નગરદેવી ભાદ્રકાળી મંદિરના પરિસરમાં જ નગરદેવી ભદ્રકાળી માતાનો થાળ બનાવવામાં આવશે. ભદ્રકાળી મંદિરના પરિસરમાં જ એક મોટું રસોડું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ૬૧૫ વર્ષ પછી નગરદેવી ભદ્રકાળીનો થાળ આમ મંદિર પરિસરમાં જ બનશે. તેની સાથે જ રામ મંદિર જેવું શિખર ભદ્રકાળીમાં પણ બને અને ધ્વજા ચડાવવામાં આવે, એવી માંગ ઉઠી છે.
આ અંગે રામબલ્લી પ્રાગ તિવારી ટ્રસ્ટ ચેરમેન શશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભદ્રકાળી માતાનો ભોગ એક કિલોમીટર દૂર મહાલક્ષ્મી મંદિરથી બનીને આવે છે. અત્યાર સુધી અહીંયા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. કારણ કે આ વિસ્તાર આર્કોલોજી ડિપાર્ટમેન્ટમાં આવે છે. જેના કારણે અમદાવાદ શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અહીંના કોર્પોરેટરને આ મામલે જાણ થતા તેમને વિચાર આવ્યો કે અહીંયા જ એક રસોડું બનાવી દેવામાં આવે. અમે પણ ઘણી વખતથી માંગ હતી કે મંદિરના પરિસરમાં જ એક રસોડું બનાવવામાં આવે. આ રજૂઆત ધ્યાનમાં લઈને હવે મંદિરના પરિસરમાં જ રસોડું બનાવવાની શરૂઆત કરવામાં આવી છે અને ચોથી ડિસેમ્બરે પૂનમના દિવસે ભદ્રકાળી માતા માટે પહેલો થાળ અહિંયાથી બનશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે રામ મંદિરમાં ધજા ચડાવવાનો દિવસ છે. અમારા માટે બહુ જ ખુશીના દિવસ છે. એટલે અમે અહીંયા ઇચ્છી રહ્યા છીએ કે અમદાવાદમાં નગરદેવી માતાજી શ્રી ભદ્રકાળી માતાજીને પણ આવી જ રીતે ધજાનો આરોહણ અમે પણ કરીએ અને ભવિષ્યમાં અહીં આપણા આટલી જ મોટી ધજા ચઢાવવામાં આવે ભવિષ્યમાં શિખર પણ બને એવી અમારી ઈચ્છા છે.
ખાડિયા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર પંકજ ભટ્ટએ આ અંગે જણાવ્યું હતું કે, પહેલીવાર માતાજીના પરિસરમાં માતાજીનો થાળ બનાવવા માટે કિચન બનાવવાનું કામ શરૂ થયું છે. કેટલા વખતથી આ માટે એ લોકો પ્રયત્ન કરતા હતા. પરંતુ હવે માતાજીનું હુકમ મળ્યો અને હવે કામ મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના સહયોગથી કરવામાં આવી રહ્યું છે અને પૂનમ પહેલા આ કામ પૂર્ણ થઈ જશે.
મંદિર પરિસરમાં વોટર કુલરની બાજુમાં અત્યારે રસોડું બનાવવાનું કામ ચાલી રહ્યું છે. સ્ટેનલેસ સ્ટીલના પતરાથી જગ્યા ઢાંકી દેવામાં આવી છે અને છત બનાવવામાં આવી છે અને અંદરથી રસોડાની ડિઝાઇન કરવામાં આવી રહી છે તે માટે કારીગરો લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભદ્રકાળી માતાનો થાળ ગુજરી બજાર પાસેના પૌરાણિક લક્ષ્મી માતાના મંદિરમાં આવેલા રસોડામાં બનાવવામાં આવતો હતો. જ્યાંથી લક્ષ્મી મંદિરથી પૂજારી મંત્ર વિધિ સાથે થાળ લઈને ભદ્રકાળી મંદિર જાય છે. જે બંને મંદિર વચ્ચે અડધાથી એક કિલોમીટરનો રસ્તો છે. જાકે ત્યાં ટ્રાફિક વધુ રહે છે, જતી વખતે અગવડતા પડે છે. અને હવેથી ભદ્ર મંદિર પરિસરમાં જ રસોડું બની જશે તો તમામ અગવડતા દૂર થઈ જશે.
માતાજીને રાજભોગ ધરાવાય છે એટલે સર્વ સીધું સામાન, અનાજ કરિયાણું, દાળ, દાણા, સુકામેવા સહિતની સામગ્રી આ રસોડામાં હશે. સાથે રસોઈ બનાવવામાં માટે ચૂલો પણ બનાવવામાં આવશે.