પવિત્ર નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે. વિજ્યા દશમીના પવિત્ર તહેવારે ખેતી સામેના પડકારો અને રાસાયણિક ખેતી અને ઝેર ઉપર નિંયત્રણ થાય એ અવસર આપણે સૌ મનાવીએ. દેશના પ્રધાનમંત્રીએ ખેત-ઓજારો અને ખેત-યંત્રો ઉપર જી.એસ.ટી. નાબુદ કર્યો તેનો લાભ ખેડૂતોને મળશે. દેશ પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. સ્વનિર્ભરતાનો સંકલ્પ સાકાર કરવા માટે સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને પ્રોત્સાહન આપવાની પહેલ કરીએ અને આ પહેલને જીવનમંત્ર બનાવીએ.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરસ વાત કરી છે, ભારતની ભૂમિમાં બનતી કોઈપણ ચીજવસ્તુઓ જેમાં ભારતની માટીની મહેક અને ભારતીયોનો પરસેવો છે એ તમામ પ્રોડકટ સ્વદેશી છે. આગામી તહેવારોમાં ‘વોકલ ફોર લોકલ’ આપણા લઘુ અને
ગૃહ ઉદ્યોગોની બનાવટો-ચીજા ખરીદવાનો સંકલ્પ કરવો રહ્યો. આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકાના કસુબાડ ગામનાં રણજીતસિંહ અમરસિંહજી ગોહિલ પ્રગતિશીલ ખેડૂત છે. જેની ઉંમર પ૦ વર્ષની આસપાસ છે અને તેણે આઈટીઆઈનો અભ્યાસ કરેલ છે. તેઓ કહે છે, ‘ચોપડીના જ્ઞાન સાથે વ્યવસાયલક્ષી શિક્ષણ જે વ્યક્તિ મેળવશે એ કયારેય બેરોજગાર નહિ રહે.’ તેઓની પાસે માત્ર ૩ વિઘા જમીન છે.
ર૦૧૯ પહેલા તેઓ રાસાયણિક ખેતી કરતા હતા જેમાં રાસાયણિક ખાતરો અને દવાઓના ખર્ચાઓ પણ વધુ આવતા હતા. ર૦૧૯માં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા સુભાષ પાલેકરજી પાસેથી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી અને પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરવું એ વિચાર સાથે વડીલો કયા પ્રકારે ખેતી કરતા હતા એ વાતો વડીલો પાસેથી સાંભળીને નક્ષત્ર આધારિત વાવેતરનું જ્ઞાન મેળવી પ્લાનીંગ સાથે આગળ વધવાનો ધ્યેય નક્કી કરી લીધો. પૃથ્વીને આપણે માતા કહીએ છીએ પણ જમીનમાં રાસાયણિક ઝેર આપીને માતાને મારવાનો પ્રયત્ન ખેડૂતોએ કર્યો છે. જેનું દુઃખ છે.
પોતાની પાસે માત્ર ૩ વિઘાનો જમીનનો ટુકડો છે છતાં આજે મિશ્ર પાક પધ્ધતિમાં પ૦ જાતના પાકોનું વાવેતર કરે છે. જેમાં મસાલા પાકો, ફળ અને ફૂલના પાકો, ધાન્ય પાકો અને ઔષધિય પાકો, શાકભાજીના પાકોનું વાવેતર કરે છે.
પોતાના ખેતરમાં જીવામૃત, ઘન
જીવામૃત અને ગૌમૂત્ર અને વનસ્પતિ આધારિત કિટનાશકોનો ઉપયોગ કરીને સારૂં ઉત્પાદન મેળવે છે. રણજીતસિંહ કહે છે, ‘મારે મારા કોઈપણ ઉત્પાદનોનું વેચાણ કરવા માર્કેટમાં જવુ પડતું નથી. મારા ગ્રાહકો બાંધેલા છે અને માર્કેટના ભાવ કરતા ૩૦ ટકા વધુ ભાવ મળે છે.’ પોતાની પાસે ૮ ગાયો છે જેનાંથી દૂધ, ઘીનું વેચાણ થાય છે. ઉપરાંત ઘન
જીવામૃત, જીવામૃત તેમજ ગાયના ગોબરમાંથી દીવા, ધૂપબત્તી બનાવીને વેચાણ કરે છે. આણંદ યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓ આ ફાર્મ ઉપર તાલીમ લેવા આવે છે. રણજીતસિંહ કહે છે, ‘ગામમાં ઘરનું મકાન, ઘરની જમીન, કોઈ ટક-ટક નહિ, શુધ્ધ ખોરાક અને શુધ્ધ હવા, ખેડૂતના સંતાનો ખેતી તરફ પાછા વળે. આજે એક એન્જીનીયરનો મહિને ૮૦,૦૦૦ જેટલો પગાર મને દર મહિને ખેતી આપે છે.’ રણજીતસિંહજીનો સંપર્ક નં.૯૭ર૬૦૪૮૪૮૮ છે.
:: તિખારો::
સમયે – સમયે વેદના ખુલ્લી આંખોએ જાઈ હતી અને એ ક્ષણે જીંદગી બહુ સચ્ચાઈ જાણીને રોઈ હતી.











































