સાબરકાંઠા  જિલ્લામાં ૩૧ ડિસેમ્બર પહેલાં જિલ્લા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવ ચાલી રહી હતી. તે અંતર્ગત તા. ૨૭/૧૨/૨૦૨૫ના રોજ ગાંભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એલસીબીની ટીમ પ્રોહિબિશન દેખરેખમાં હતી.આ દરમિયાન બાતમી મળી કે રાજસ્થાન તરફથી બટાકાની આડમાં અંગ્રેજી દારૂ ભરેલ એક ટ્રક શામળાજી તરફથી અમદાવાદ દિશામાં જઈ રહ્યો છે. બાતમીના આધારે શામળાજી–અમદાવાદ હાઈવે પર આગીયોલ ગામની સીમમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી, ત્યાં શંકાસ્પદ ટાટા કંપનીનો ટ્રક રોકી તપાસ કરતાં ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાની માહિતી બહાર આવી હતી. ટ્રકના પાછળના ભાગમાં બટાકાના કાંતાનના કોથળાઓની આડમાં અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી માત્રા છુપાવવામાં આવી હતી.તપાસ દરમિયાન કુલ ૫૦૩ પેટીમાંથી ૨૦૪૩૬ કરતાં વધુ અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ. ૮૧ લાખ ૬ હજારથી વધુ આંકવામાં આવી છે. આ સાથે ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ, બટાકાના કોથળા અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. ૧ કરોડ ૧ લાખ ૭૬ હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં ટ્રક ચલાવતા આરોપી બીરબલનાથ રેખનાથ હૂનતનાથ ચૌહાણ (રહે. લૂનકરણસર, જી. બિકાનેર, રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો છે.જ્યારે દારૂ ભરાવી આપનાર યશવંત નામના બુટલેગરને ફરાર જાહેર કરી છે, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દારૂ ક્્યાંથી લવાયો હતો અને ગુજરાતમાં ક્્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે.