રાજ્યમાં ઉનાળાનું તાપમાન દિવસે દિવસે ચડતું જાય છે ત્યારે તેટલી જ ઝડપે વીજળીની માંગ પણ નવી ઊંચાઈએ પહોંચી છે. વૈશાખ માસની શરૂઆતથી જ તાપમાનમાં થયેલા ઉછાળાને કારણે મંગળવારે રાજ્યમાં ૨૬,૬૦૦ મેગાવોટ વીજળીની માંગ નોંધાઈ છે, જે આજદિન સુધીની સૌથી વધુ નોંધાયેલા વીજ વપરાશનો રેકોર્ડ છે.

જીયુવીએનએલના ઊચ્ચ સ્તરના સૂત્રોએ માહિતી આપી છે કે રાજ્યમાં ભૂતકાળમાં ક્યારેય આવી વીજ જરૂરિયાત ઊભી થઈ નથી. પરશુરામ જયંતીનો દિવસ હોવા છતાં પીક અવર્સમાં ૨૬,૬૦૦ મેગાવોટની માંગ જોવા મળી, જે સ્ટેટ માટે ચિંતાનું નહીં પણ તૈયારીનું સંકેત છે. હાલ રાજ્ય સરકાર દ્વારા વીજ પુરવઠાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.

સદનસીબે રાજ્યે આ મહત્તમ માંગને પાવર એક્સચેન્જ પરથી વીજળી ખરીદ્યા વગર પહોંચી વળી છે. મંગળવારે એક પણ મેગાવોટ વીજળી બજારથી ખરીદવામાં આવી ન હતી. એનટીપીસી અને અન્ય કેન્દ્ર સરકારના યુનિટ્‌સમાંથી મળતી વીજળીમાંથી ૮,૦૦૦ મેગાવોટ સ્ટેટ્‌સ ગ્રીડમાં ઉમેરાઈ હતી. ઉપરાંત, રાજ્યના સોલાર યુનિટ્‌સથી ૫,૮૦૦ મેગાવોટ અને પવન ઊર્જા યુનિટ્‌સથી ૩,૮૦૦ મેગાવોટ વીજળી મળી હતી.

ગુજરાત સરકારના જીએસઇસીએલ દ્વારા ૩,૬૦૦ મેગાવોટ વીજળીની પુરવઠા કરવામાં આવી રહી છે. ખાનગી ક્ષેત્રમાંથી અદાણી અને તાતા કોસ્ટલ પાવર કંપનીઓ દરેક તરફથી ૧,૫૦૦ મેગાવોટ અને એસ્સાર તરફથી ૮૦૦ મેગાવોટ વીજળી સ્ટેટ્‌સ ગ્રીડમાં ઉમેરાઈ છે.

આ સમયગાળામાં ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પણ વીજળીનો ભારે વપરાશ થઈ રહ્યો છે. અંદાજે ૯,૭૦૦ મેગાવોટ વીજળી માત્ર કૃષિ ક્ષેત્રમાં વપરાઈ રહી છે. આવી સ્થિતિમાં ઉનાળાની ગરમી વધી રહી છે અને સાથે વીજળીની જરૂરિયાત પણ.

વિશ્લેષકોએ જણાવ્યું છે કે ૩૧મી માર્ચે મહત્તમ વીજ માંગ ૨૧,૪૦૦ મેગાવોટ હતી જે ૧૦મી એપ્રિલે ૨૫,૩૦૦ મેગાવોટ સુધી પહોંચી હતી. હવે એ રેકોર્ડ તૂટી ગયો છે.

આમ સરકાર માટે હવે પડકાર એ નથી કે વીજળી ક્થીયા લાવવી, પણ આગોતરા આયોજન બનાવી જરૂરી પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા આગામી દિવસોમાં સરકાર ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી વધુ વીજળી ખરીદે તેવી શક્યતા છે.