વાસ્તવિક અને અવાસ્તવિક શબ્દોના ઘોંઘાટ સાથે વર્ષ ૨૦૨૬-૨૭ નું જુનાગઢ મનપાનું સામાન્ય બજેટ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલવીબેન ઠાકરે જનરલ બોર્ડમાં બજેટ રજૂ કર્યો હતું, જેને નેતા વિપક્ષ લલિત પરસાણાએ અવાસ્તવિક ગણાવીને બજેટનો બહિષ્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે રજૂ કરવામાં આવેલા બજેટના ૮૦% કામો પૂરા થયા નથી ત્યારે નવા વર્ષે નવું બજેટ એકદમ અવાસ્તવિક લાગી રહ્યું છે જેથી વિપક્ષ બજેટનો બહિષ્કાર કરે છે.
આજે વર્ષ ૨૦૨૬-૨૭ નું જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન નું સામાન્ય અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલવીબેન ઠાકરે રજૂ કર્યું હતું, જેને ભારે ઘોંઘાટ અને કોલાહલ વચ્ચે બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષ આ બજેટને અવાસ્તવિક ગણાવીને બજેટનો બહિષ્કાર કરી રહ્યા છે તો બીજી તરફ સતાપક્ષ બજેટને વાસ્તવિક ગણીને જૂનાગઢના વિકાસ સાથે જાડાયેલી દરેક બાબતોનો સમાવેશ અને ઉલ્લેખ કરાયેલા આ બજેટને દૂરંદેશી બજેટ ગણાવી રહ્યા છે. બજેટ બેઠક શરૂ થતાં જ જૂનાગઢના મેયર અને સાધારણ સભાના અધ્યક્ષ ધર્મેશ પોશીયા રજા પર હોવાને કારણે પણ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે શબ્દ તીર છોડાયા હતા. પરંતુ બીપીએમસી એક્ટ હેઠળ બજેટ બોર્ડનું સંચાલન ડેપ્યુટી મેયર આકાશ કટારાએ કર્યું હતું. આજનું બજેટ બોર્ડ ૩ઃ૩૦ કલાક જેટલી મેરેથોન ચર્ચાઓ સાથે પૂરું થયું હતું.
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નેતા વિપક્ષ તરીકે ફરજ બજાવી રહેલા લલિત પણસારાએ બજેટને અવાસ્તવિક ગણાવ્યું હતું. બજેટ રજૂ થયા બાદ એક કલાક સુધી બજેટ પર ચર્ચા કરનાર લલિત પણસારા જણાવ્યું હતું કે, ગત વર્ષે બજેટની જે જાગવાઈઓ હતી તેમાંની ૮૦ ટકા જેટલી જાગવાઈઓ આજે પૂરી થઈ શકી નથી. મોટાભાગના કામો ક્યાં  છે તેની કોઈને ખબર નથી. આવી સ્થિતિ માં નવા વર્ષે નવું બજેટ રજૂ કરવું તે યોગ્ય નથી. સત્તાપક્ષ પાછલા વર્ષના બજેટ ને પૂરી રીતે અમલવારી કરી શક્યું નથી. તેવી સ્થિતિમાં નવા વર્ષે નવું બજેટ રજૂ કરવાનો કોઈ મતલબ નથી, જેથી તેઓ આ બજેટને અવાસ્તવિક ગણીને તેનો બહિષ્કાર કરે છે. જુનાગઢ શહેરમાં સીટી બસ, ગટર, પીવાનું ચોખ્ખું પાણી, માર્ગો, બાગ-બગીચા અને અન્ય સવલતો કે જે જુનાગઢના શહેરીજનો દ્વારા ટેક્સ આપીને મનપા પાસેથી માગવામાં આવે છે, આવી લોક સુવિધાઓ હજુ સુધી જુનાગઢ શહેરમાં ગોકળગાય ગતિએ ચાલી રહી છે. આવી સ્થિતિમાં બજેટ રજૂ કરવું તે તેમને કોઈ પણ રીતે યોગ્ય લાગતું નથી.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટ રજૂ કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલવીબેન ઠાકરે બજેટ જુનાગઢ દુરંદેશી વિકાસને ધ્યાન રાખીને બનાવવામાં આવ્યું છે. મનપામા વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે, જેથી તેમને આ બજેટમાં જૂનાગઢના વિકાસને લઈને કોઈ દ્રશ્ય જાવા મળતું નથી. જુનાગઢ શહેરમાં આગામી દિવસોમાં તમામ પ્રકારની સુખ-સુવિધાઓ કે જેમાં બાગ બગીચા, આધુનિક માર્ગો, ભૂગર્ભ ગટર, પીવાનું પાણી, મહિલાઓ માટે આંગણવાડી સહિત દરેક વર્ગને ધ્યાને રાખીને બજેટ તૈયાર કરાયું છે. યોજનાગત બાબતોનો સામેલ કરીને તેમાં થનાર ખર્ચની વિગતો પણ રાખવામાં આવી છે. પરંતુ વિપક્ષ માત્ર વિપક્ષની ભૂમિકા મજબૂતાઈથી રજૂ કરે છે, જેથી તેમને બજેટમાં જૂનાગઢના વિકાસની જે રૂપરેખા રજુ કરાઈ છે તે દેખાતી નથી.