બજેટ સત્ર સમાપ્ત થતાંની સાથે, સરકારે એક મોટું પગલું ભર્યું છે અને સંસદને અનિશ્ચિત સમય માટે મુલતવી ન રાખવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલે એક ખાસ સત્ર બોલાવવામાં આવશે, જેનો હેતુ મહિલા અનામત લાગુ કરવા અને સુધારા બિલ પસાર કરવામાં આવતા અવરોધોને દૂર કરવાનો છે.
અહેવાલો અનુસાર, સંસદનું બજેટ સત્ર ગુરુવારે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાની શક્યતા ઓછી છે. સરકાર એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ માટે ફરી બોલાવવાની યોજના બનાવી રહી છે જેથી મહિલા અનામત લાગુ કરતી વખતે લોકસભાની બેઠકોની સંખ્યા ૮૧૬ સુધી વધારવા માટે બિલ રજૂ કરી શકાય.
આ વર્ષે ૨૮ જાન્યુઆરીથી શરૂ થયેલ બજેટ સત્ર ૨ એપ્રિલે સમાપ્ત થવાનું હતું, પરંતુ સરકાર ટૂંકા વિરામ પછી તેને બે કે ત્રણ દિવસ માટે લંબાવવાનું વિચારી રહી છે.
સરકાર માને છે કે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ ગુરુવારે સંબંધિત ગૃહોને મુલતવી રાખી શકે છે અને આગામી બેઠક માટે નિશ્ચિત તારીખ જાહેર કરી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવશે નહીં, પરંતુ એક નિશ્ચિત તારીખે ફરી મળવાની જાહેરાત સાથે સ્થગિત કરવામાં આવશે. અમે આ મહિને ખૂબ જ ટૂંક સમયમાં ફરી મળીશું.” સૂત્રો કહે છે કે બંને ગૃહો એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ માટે મળી શકે છે. સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિસ્તૃત સમયગાળા દરમિયાન, સરકાર નારી શક્તિ વંદન કાયદામાં સુધારો કરવા માટે બંધારણ સુધારો બિલ રજૂ કરે તેવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં સર્વસંમતિ બનાવવા માટે કેટલાક એનડીએ ઘટક અને પ્રાદેશિક વિરોધ પક્ષોના નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત આપવા માટે ૨૦૨૩ માં બંધારણીય સુધારો બિલ (નારી શક્તિ વંદન બિલ) પસાર કરવામાં આવ્યું હતું, જાકે તેનો અમલ સીમાંકન પ્રક્રિયા પછી જ થઈ શકે છે. સૂત્રો કહે છે કે હાલમાં ચર્ચા હેઠળનું માળખું લોકસભા બેઠકોની સંખ્યા વર્તમાન ૫૪૩ થી વધારીને ૮૧૬ કરશે, જેમાં ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.