મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહેસૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા લાવવા તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. આ ઐતિહાસિક નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ માટે “જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯”ની કલમ ૧૩૫-ડ્ઢની જોગવાઈમાં અત્યંત મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાના પરિણામે હવે કાયદેસરના જમીન અથવા મિલકતના તમામ વ્યવહારોમાં સામાન્ય નાગરિકોને ૩૦ દિવસના લાંબા નોટિસના સમયગાળાની રાહ જોવામાંથી કાયમી મુક્તિ મળશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં ૩૦ દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાને બિનજરૂરી રીતે લાંબી રાહ જોવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લઈને કેટલાક અસામાજિક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને મૂળ વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું એટલે કે બ્લેકમેલિંગ કરવાનું કામ કરતા હતા. મુખ્યમંત્રીએ આ ગંભીર જટિલતાને ઊંડાણપૂર્વક સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના વ્યાપક હિતમાં
૧૩૫-ડ્ઢની ૩૦ દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો આ સાહસિક અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. નવા સુધારા પ્રમાણે, રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટિગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ સાત-બારના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા કિસ્સાઓમાં હવે નોટિસ વગર તે જ દિવસે સીધી નોંધ પાડીને તેને તુરંત પ્રમાણિત કરી ‘પાકી એન્ટ્રી’ કરવામાં આવશે. આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે ૧૩૫-ડ્ઢની નોટિસ બજવવાની રહેશે નહીં અને તેની સીધી જ અમલાવારી કરવામાં આવશે. જો કે, જે કિસ્સાઓમાં તપાસની જરૂરિયાત હોય, જેમ કે એક વર્ષની અંદર રેકોર્ડમાં ફેરફાર થયો હોય અથવા વેચાણ પાવર ઓફ એટર્ની દ્વારા કરવામાં આવ્યું હોય, તેવા કિસ્સાઓમાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરવામાં આવ્યો છે. આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં પરંતુ સામાન્ય જનતા દ્વારા ખરીદવામાં આવતી દુકાન, ફ્‌લેટ અને રહેણાંકના મકાનો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. તેનાથી સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં બિનજરૂરી હેરાનગતિ બંધ થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વિવાદિત કેસોનો પણ ખૂબ જ ઝડપથી નિકાલ આવશે.