મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના તુઇબોંગ સબ-ડિવિઝનમાં બહારના વ્યક્તિ દ્વારા ૧૧ વર્ષની બાળકીની કથિત છેડતીની ઘટના બાદ તણાવ પ્રવર્તે છે. અધિકારીઓએ આ જાણકારી આપી. ઘટનાના વિરોધમાં બુધવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થિતિ બગડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ હેઠળ સબ-ડિવિઝનમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા હતા. પ્રતિબંધિત આદેશ હેઠળ, ૫ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કુકી-જામી ગ્રામ સ્વયંસેવકો દ્વારા બોલાવવામાં આવેલા બંધને કારણે બજારો, દુકાનો, શાળાઓ બંધ રહી હતી અને વાહનો રસ્તાઓથી દૂર રહ્યા હતા. તેમણે કહ્યું કે બંધ સવારે ૫ વાગ્યાથી લગભગ ૩.૩૦ વાગ્યા સુધી અમલમાં હતો. બંધ સમર્થકોએ તુઇબોંગ માર્કેટમાં રસ્તાની વચ્ચે જૂના ટાયર સહિત કચરાના ઢગલા સળગાવી દીધા હતા. પોલીસે જણાવ્યું કે છોકરીના પરિવારે ૨૧ ઓક્ટોબરે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી દુકાન માલિકની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપ છે કે છોકરી આરોપીની દુકાનમાં સામાન ખરીદવા ગઈ હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ ગુસ્સે થયેલા લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું, ત્યારબાદ આરોપીઓએ દુકાન માલિકના ઘરે આશ્રય લીધો હતો. દરમિયાન, બિલ્ડિગના માલિક અને સ્થાનિક નેતાએ તેના કેટલાક માણસોને વિરોધ સ્થળ પર મોકલ્યા અને કથિત રીતે વિરોધીઓને માર માર્યો.