એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે રિટીલ થયેલા દેશના કુલ ૧૦૩ સાંસદોમાંથી ૧૦૨ સાંસદો દ્વારા ફાઇલ કરવામાં આવેલા એફિડેવિડનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં સાંસદોની સંપત્તિમાં થયેલા વધારા-ઘટાડાની વિગત સામે આવી છે. આ લિસ્ટમાં ગુજરાતના પણ કેટલાક સાંસદો સામેલ છે.

એડીઆર રિપોર્ટના ડેટા પ્રમાણે ૨૦૧૪થી લઈને ૨૦૨૪ એટલે કે ૧૦ વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં ૧૭.૩૬ કરોડનો વધારો થયો છે. ૨૦૧૪મા મિકલત ૧૫.૭૬ કરોડ હતી, જ્યારે ૨૦૨૪ની ચૂંટણી અનુસાર ૩૩.૧૩ કરોડ છે.

જામનગર લોકસભા બેઠકથી સાંસદ અને ભાજપ નેતા પૂનમ માડમ દેશભરમાં સંપત્તિ વધારાના મામલે બીજા સ્થાને છે. વર્ષ ૨૦૧૪મા પૂનમ માડમની સંપત્તિ માત્ર ૧૭ કરોડ હતી, જે વધીને ૨૦૨૪મા ૧૩૦ કરોડ થઈ ગઈ છે. પૂનમ માડમની સંપત્તિમાં ૭૪૭ ટકાનો વધારો થયો છે. જ્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિમાં પણ મોટો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪મા વિનોદ ચાવડાની સંપત્તિ ૫૬ લાખ રૂપિયા હતી, જે વધીને ૨૦૨૪મા ૭ કરોડ ઉપર પહોંચી ગઈ છે. ત્યારબાદ બારડોલીના સાંસદ પ્રભુ વસાવાનું નામ સામેલ છે. ૨૦૧૪મા પ્રભુ વસાવાની સંપત્તિ ૨ કરોડથી ઉપર હતી, જે ૨૦૨૪મા વધીને ૪ કરોડ ઉપર પહોંચી ગઈ છે. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની સંપત્તિમાં પણ છેલ્લા ૧૦ વર્ષમાં વધારો થયો છે. ૨૦૧૪મા જસવંત સિંહની સંપત્તિ ૨ કરોડ ઉપર હતી, જે ૨૦૨૪મા વધીને ૪ કરોડ ઉપર પહોંચી છે.

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સંપત્તિ ૨૦૧૪મા ૧ કરોડ ઉપર હતી, જે વધીને ૩ કરોડ ઉપર પહોંચી ગઈ છે. આ સિવાય ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની સંપત્તિમાં પણ વધારો થયો છે. દેવુસિંહની સંપત્તિ ૨૦૧૪મા ૧ કરોડ ઉપર હતી, જે વધીને ૩ કરોડ ઉપર પહોંચી છે.

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની સંપત્તિમાં ઘટાડો થયો છે. ૨૦૧૪મા સીઆર પાટિલની સંપત્તિ ૭૪ કરોડથી વધારે હતી, જે ૨૦૨૪મા ઘટીને ૩૯ કરોડ થઈ છે. એટલે કે પાટિલની સંપત્તિમાં ૪૭ ટકાનો ઘટાડો થયો છે.