એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ભૂતપૂર્વ અભિનેત્રી અને મોડેલ હર્ષવર્દિની રાણ્યા ઉર્ફે રાણ્યા રાવ અને અન્ય લોકો વિરુદ્ધ ૧૦૨.૫૫ કરોડના સોનાની દાણચોરીના કેસમાં ચાર્જશીટ દાખલ કરી. બેંગલુરુની એક ખાસ પીએમએલએ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરાયેલ ચાર્જશીટમાં તરુણ કોન્ડુરુ અને સાહિલ સાકરિયા જૈનનું પણ નામ આપવામાં આવ્યું છે. તે બધા સોનાની મોટી દાણચોરી અને મની લોન્ડરિંગ રેકેટ સાથે જાડાયેલા છે. પીએમએલએની કલમ ૩ અને ૪ હેઠળ મની લોન્ડરિંગના ગુનાઓ માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઈડીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેશ્તીગેશન સીબીઆઇ એસી-૨ નવી દિલ્હી દ્વારા ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત જાગવાઈઓ હેઠળ નોંધાયેલ એફઆઇઆરના આધારે તેની તપાસ શરૂ કરી હતી, જે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ફરિયાદ બાદ કરવામાં આવી હતી.
આ કેસ કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હર્ષવર્દિન રાણ્યા પાસેથી આશરે ૧૨.૫૬ કરોડની કિંમતનું ૧૪.૨૧૩ કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કરવાનો છે. ત્યારબાદની તપાસમાં ૨.૦૬ કરોડના સોનાના દાગીના અને ૨.૬૭ કરોડની ભારતીય ચલણ મળી આવ્યું હતું.ડીઆરઆઇએ કસ્ટમ્સ એક્ટની કલમ ૧૩૫ હેઠળ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. ઈડીના જણાવ્યા અનુસાર, તેની તપાસમાં જાણવા મળ્યું છે કે માર્ચ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ દરમિયાન ભારતમાં આશરે ૧૦૨.૫૫ કરોડનું ૧૨૭.૨૮૭ કિલો સોનું દાણચોરી દ્વારા લાવવામાં આવ્યું હતું. ઈડ્ઢએ જણાવ્યું હતું કે, “એવું માનવામાં આવે છે કે આ ગેરકાયદેસર માલ સ્થાનિક બજારમાં દાણચોરો અને ઝવેરીઓના નેટવર્ક દ્વારા વેચવામાં આવ્યો હતો. આ રકમ રોકડમાં પ્રાપ્ત થઈ હોવાનું કહેવાય છે અને ભારત અને વિદેશમાં હવાલા ચેનલો દ્વારા સેટલ કરવામાં આવી હતી.” એજન્સીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે ગેરકાયદેસર રકમ બહુવિધ બેંક ખાતાઓ અને સંસ્થાઓ દ્વારા એવી રીતે વહેંચવામાં આવી હતી કે તેને કાયદેસર વ્યવસાયિક વ્યવહારો તરીકે દર્શાવી શકાય.
ઈડીએ જણાવ્યું હતું કે ૨૧ અને ૨૨ મે, ૨૦૨૫ ના રોજ કર્ણાટકમાં ૧૬ સ્થળોએ પીએમએલએની કલમ ૧૭ હેઠળ કરવામાં આવેલી શોધ દરમિયાન, ગુનાહિત દસ્તાવેજા, ડિજિટલ ઉપકરણો અને ભારતીય અને વિદેશી ચલણો જપ્ત કરવામાં આવ્યા હતા પીએમએલએની કલમ ૫૦ હેઠળ અનેક વ્યકિતઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન હર્ષવર્દિની રાણ્યના નામે નોંધાયેલી ૩૪.૧૨ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોને કામચલાઉ રીતે જપ્ત કરી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે તપાસમાં વિદેશથી સોનું ખરીદવા, તેને ગેરકાયદેસર રીતે ભારતમાં આયાત કરવા, તેને રોકડમાં વેચવા અને હવાલા અને બેંકિંગ ચેનલો દ્વારા પૈસાની લોન્ડરિંગ કરવાની સુનિયોજિત સિસ્ટમનો ખુલાસો થયો છે.














































