વડોદરામાં સોશિયલ મીડિયા પર મિત્રતા થયા બાદ હોટલમાં બોલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા જ ગણતરીના સમયમાં પોલીસે આરોપીને દબોચી લીધો છે. અને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ પોતાના હાથ પર ચાકુના ઘા ઝીંકીને જીવન ટુંકાવાનનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતિને ફેસબુક પર કે. ડી. ચાવડા નામના આઇડીથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. સામે વાળી વ્યક્તિએ પોતાની ઓળખ કર્મદીપસિંહ ચાવડા તરીકે આપી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત થઇ હતી. ત્યાર બાદ કર્મદીપસિંહે યુવતિને પોતાની હોટલ હેવન ઇન ખાતે બોલાવી હતી. જ્યાં તેણે યુવતિની મરજી વિરૂદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પીડિતા ચિંતામાં મુકાઇ ગઇ હતી. અને પોતાની આબરૂ જવાની ચિંતામાં તેણીએ ૨૧, જુલાઇના રોજ બપોરના સમયે પોતાના ઘરે કાંડા પર ચાકુના ઘા માર્યા હતા. અને જીવન ટુંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
ઉપરોક્ત મામલે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી કર્મદીપસિંહ રણવીરસિંહ ચૌહાણ (રહે. શરદ નગર, અલવાનાકા, માંજલપુર, તરસાલી, વડોદરા) ની ધરપકડ કરી છે. અને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.