(એ.આર.એલ),હૈદરાબાદ,તા.૧૩
ટીમ ઇન્ડિયા તરથફથી દશેરાના દિવસે શનિવારે હૈદરાબાદમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી હતી. ખાસ કરી સંજૂ સેમસન અને સૂર્યકુમાર યાદવ બાંગ્લાદેશના બોલરો પર તૂટી પડ્યા હતા. સેમસને સદી ફટકારી અને સૂર્યકુમારે અડધી સદી ફટકારી હતી. રિયાન પરાગ અને હાર્દિક પંડ્યાએ પણ પોતાના હાથ ખોલ્યા હતા. આ મેચ ટીમ ઇન્ડિયા માટે ઐતાહાસિક રહી, કારણ કે ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટ પર ૨૯૭ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર ૧૬૪ રન બનાવી શકી હતી. આ મેચમાં અનેક રેકોર્ડ્સ પણ બન્યા છે. આવો તેના પર નજર કરીએ.
૧. મેચમાં સૌથી વધુ ઓવરોમાં ૧૦ કે તેનાથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના નામે થઈ ગયો છે. ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ ૧૮ ઓવરોમાં ૧૦થી વધુ રન બનાવ્યા હતા. તો ૨૦ ઓવરમાંથી ૧૭ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ ૧૦થી વધુ રન શ્રીલંકા વિરુદ્ધ ૨૦૧૬માં બનાવ્યા હતા.
૨. ટી૨૦ ક્રિકેટમાં ૨૦૦થી વધુ રન એક ઈનિંગમાં બનાવવા મામલે ભારતે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. સમરસેટે ૩૬ વખત એક ઈનિંગમાં ૨૦૦ પ્લસ બનાવ્યા છે, જ્યારે ટીમ ઇન્ડિયાએ ૩૭મી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ કારનામું કર્યું છે.
૩. ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે બીજા સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. નેપાળે ૨૦૨૩માં મંગોલિયા વિરુદ્ધ ૩૧૪ રન ફટકાર્યા હતા અને હવે ભારતે બાંગ્લાદેશ સામે ૨૯૭ રન ફટકાર્યા છે. ટેસ્ટ પ્લેઈંગ નેશન તરીકે ટીમ ઇન્ડિયાનો વિશ્વ રેકોર્ડ છે.
૪. સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકે એક રેકોર્ડ ભારત માટે બનાવ્યો છે. તે ૧૦૦ કરતા વધુ રનથી બે વખત ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જીતી ચૂક્યો છે, જ્યારે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને શુભમન ગિલની આગેવાનીમાં ભારતેએક-એક વખત ૧૦૦ કે તેનાથી વધુ રનના અંતરથી મેચ જીતી છે.
૫. ભારત માટે વિકેટકીપર બેટરે ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં પ્રથમ વાર સદી ફટકારી છે. સંજૂ સેમસને ૧૧૧ રન બનાવ્યા હતા. તો ઈશાન કિશને ૮૯ રન વિકેટકીપર તરીકે બનાવ્યા હતા. પંત ૬૫ રન સાથે આ મામલામાં ત્રીજા સ્થાને છે.