ધર્મેન્દ્ર ગુજરી ગયા.
હિન્દી ફિલ્મોમાં કદી પણ સુપરસ્ટાર નહીં ગણાવા છતાં સાડા છ દાયકા સુધી સુપરસ્ટાર જેવો દબદબો ભોગવનારા ધર્મેન્દ્રના નિધન સાથે હિંદી ફિલ્મોનો એક યુગ સમાપ્ત થઈ ગયો. હિંદી ફિલ્મોમાં રોમેન્ટિક હીરો તરીકે શરૂઆત કરીને એક્શન હીરો તરીકે સ્થાપિત થયેલા ધર્મેન્દ્ર જેટલી લોકપ્રિયતા બહુ ઓછા હીરોને મળી છે. શોલે જેવી બ્લોકબસ્ટરથી માંડીને સત્યકામ જેવી આર્ટ ફિલ્મો કરનારા ધર્મેન્દ્રને દર્શકોએ તમામ રૂપમાં સ્વીકાર્યા.
હિંદી સિનેમામાં ધર્મેન્દ્ર એકલા એવા હીરો છે કે જેમની કારકિર્દીમાં કદી ખરાબ સમય આવ્યો જ નહીં કે કદી પડતી ના થઈ. સતત હીટ ફિલ્મો આપીને ટકી રહેનારા ધર્મેન્દ્ર એક માત્ર હીરો છે. ધર્મેન્દ્રની કારકિર્દી વિશે એક રસપ્રદ વાત એ પણ છે કે, ધર્મેન્દ્રે સોલો એટલે કે પોતે એકલા જ હીરો હોય એવી ફિલ્મો પ્રમાણમાં ઓછી કરી છે પણ સોલો ફિલ્મોમાં પણ તેમની સફળતાનો રેટ બહુ ઉંચો છે. ધર્મેન્દ્રે તેમની કારકિર્દીમાં ૩૦૦ જેટલી ફિલ્મો કરી. આ પૈકી ધર્મેન્દ્ર એકલા જ હીરો હોય એવી ફિલ્મોની સંખ્યા ૭૫ છે ને તેમાંથી ૫૫ સુપરહીટ છે.
હિંદી સિનેમામાં ધર્મેન્દ્ર જેવો હીરો બીજો નહીં આવે તેથી તેમના વિશે બહુ લખાયું છે. આપણે એ વાતો રીપીટ નથી કરતા પણ ધર્મેન્દ્ર વિશે એવી ત્રણેક વાતો કરીશું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
ધર્મેન્દ્ર મુસ્લિમ બની ગયેલા?
ધર્મેન્દ્રનો ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં શરૂ થયેલો હેમા માલિની સાથેનો રોમાન્સ દાયકાના અંત સુધીમાં તો પૂરબહારમાં પહોંચી ગયેલો. ધર્મેન્દ્ર રોમેન્ટિક હતા ને ઘણી હીરોઈનો સાથે તેમનાં અફેર થયેલાં તેથી ધર્મેન્દ્રને હેમા સાથે અફેરમાં વાંધો નહોતો પણ હેમા લગ્ન કરવા માગતી હતી. હેમાના દબાણના કારણે ધર્મેન્દ્રે લગ્ન કરવાનું નક્કી કર્યું પણ ધર્મેન્દ્રનાં પહેલાં લગ્ન અડચણરૂપ હતા.
ધર્મેન્દ્રનાં લગ્ન ૧૯૫૪માં ૧૯ વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે થઈ ગયા હતા અને ચાર બાળકો હતા. સની દેઓલ, બોબી દેઓલ, વિજીતા અને અજીતા. હિંદુ મેરેજ એક્ટ પ્રમાણે ધર્મેન્દ્ર બીજાં લગ્ન ના કરી શકે તેથી હેમા અને ધર્મેન્દ્ર બંને ઇસ્લામ ધર્મ અપનાવીને મુસ્લિમ બની ગયા હતા. ધર્મેન્દ્રનું નામ દિલાવર ખાન અને હેમા માલિનીનું નામ આયેશા બી કરી દેવાયેલું, રામકમલ મુખર્જીએ તેમના પુસ્તક ‘હેમા માલિનીઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’માં ઉલ્લેખ કર્યો છે કે, ધર્મેન્દ્ર-હેમાએ દિલાવર ખાન અને આયેશા બી નામ રાખ્યા હોવાની વાતો જોરશોરથી ચાલી હતી પણ ધર્મેન્દ્ર-હેમાએ સત્તાવાર રીતે કશું ના કહ્યું.
લોકસભાની ૨૦૦૪ની ચૂંટણી વખતે ધર્મેન્દ્ર રાજસ્થાનની બિકાનેર લોકસભા બેઠક પરથી ઉભા રહ્યા ત્યારે ધર્મેન્દ્રના કથિત ઇસ્લામ ધર્મ પરિવર્તનની વાતોને કોંગ્રેસે ચગાવી હતી. ધર્મેન્દ્રે પોતાના ચૂંટણી સોગંદનામામાં ફક્ત પહેલી પત્ની પ્રકાશ કૌરની સંપત્તિ જાહેર કરી હતી અને હેમા માલિનીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો તેના કારણે પણ વિવાદ શરૂ થયો હતો. આઉટલુક મેગેઝિને હેમા સાથેના ધર્મેન્દ્રના કહેવાતા નિકાહનામાની ફોટોકોપી છાપી હતી અને બીજાં મીડિયાએ પણ આ મુદ્દાને ચગાવ્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ ઇન્દોરની કોર્ટમાં નિકાહનામા અને અન્ય દસ્તાવેજો રજૂ કરીને ધર્મેન્દ્ર સામે બહુપત્નીત્વનો આક્ષેપ કરીને તેમની ઉમેદવારી રદ કરવા વિનંતી કરી હતી. હિન્દુ મેરેજ એક્ટ હેઠળ બીજાં લગ્નની પરવાનગી નથી તેથી ધર્મેન્દ્ર-હેમા માલિનીએ ઇસ્લામ ધર્મ સ્વીકારીને દિલાવર ખાન અને આયેશા નામ અપનાવીને નિકાહ કર્યા હતા પણ સોગંદનામામાં આ વાત છૂપાવી હતી. ધર્મેન્દ્ર-હેમા બંનેએ આ આક્ષેપોને ફગાવીને પોતે હિંદુ જ હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસની અરજીમાં કશું ના થયું ને ધર્મેન્દ્ર સાંસદ બની ગયા. હેમા માલિની તો હજુ હિંદુત્વની દુહાઈ દેતા ભાજપનાં સાંસદ છે.
ધર્મેન્દ્ર હિંદી ફિલ્મોના સૌથી રોમેન્ટિક હીરો હતા.
હિંદી ફિલ્મોમાં ધર્મેન્દ્ર જેટલાં અફેર કોઈ હીરોએ નથી કર્યાં. ધર્મેન્દ્રનાં અફેરની વાતો ફિલ્મી મેગેઝિનોમાં બહુ છપાતી. આ વાતોથી અકળાઈને ધર્મેન્દ્રે એમ.આર. કૃષ્ણા નામના પત્રકાર સાથે તો જાહેરમાં મારામારી કરી હતી. દેવયાની ચૌબલ નામની પત્રકારને મારવા ધર્મેન્દ્રે રસ્તા પર દોટ લગાવી હતી.
હેમા માલિની સાથેની ધર્મેન્દ્રની લવસ્ટોરીની વાતો બહુ થાય છે, બંનેએ લગ્ન કરી લીધાં તેથી મીડિયા ધર્મેન્દ્ર-હેમાની લવસ્ટોરીને અનોખી ગણાવાય છે પણ ધર્મેન્દ્ર માટે હેમા લવ લાઈફનું ફુલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ નહોતાં પણ અલ્પવિરામ જ હતા. હેમા સાથે લગ્ન પહેલા પણ ધર્મેન્દ્રનાં અફેર હતા, લગ્ન પછી પણ અફેર રહ્યા.
ધર્મેન્દ્ર પોતે પણ આ વાત સહજતાથી સ્વીકારતા હતા.
એક વખત ધર્મેન્દ્રને સવાલ કરાયો કે, તમે કામ કર્યું તેમાંથી કઈ કઈ હીરોઈનો સાથે તમારે અફેર રહ્યાં ?
ધર્મેન્દ્રે જબરદસ્ત વિટનો પરચો આપતાં કહું કે, વિશ્વજીત સિવાય
બધી !
ધર્મેન્દ્રનું ફિલ્મ કારકિર્દીની શરૂઆતમાં મીના કુમારી સાથેનું અફેર અત્યંત ચર્ચાસ્પદ રહ્યું હતું. મીના કુમારી કમાલ અમરોહીને પરણેલાં પણ બંનેનું લગ્નજીવન ડખે ચડેલું હતું. નવાનવા ફિલ્મોમાં આવેલા હેન્ડસમ ધર્મેન્દ્ર પર મીના કુમારી ફિદા થઈ ગયા હતા. ધર્મેન્દ્રે પણ મીના કુમારીને સહારો આપ્યો ને બંને અત્યંત નિકટ આવી ગયા હતા. ધર્મેન્દ્રની હિ-મેનની ઈમેજ પણ મીના કુમારીના આગ્રહથી ફૂલ ઔર પથ્થરમાં ધર્મેન્દ્રે ટોપલેસ સીન આપ્યો તેના કારણે જ બની હતી. ધર્મેન્દ્રે ટોપલેસ સીન આપ્યો ત્યારે તેમના માટે શોભા ડેએ ગરમ-ધરમ શબ્દ વાપરેલા.
ધર્મેન્દ્રની ૧૯૬૦ના દાયકામાં આશા પારેખ સાથેની જોડી પણ જામી હતી. બંનેએ અનેક સુપરહીટ ફિલ્મો આપી. ધર્મેન્દ્રનું આશા પારેખ સાથે પણ અફેર હોવાનું કહેવાતું. ગુજરાતી આશા પારેખનું નામ આમીર ખાનના કાકા ફિલ્મ સર્જક નાસિર હુસૈન સાથે પણ જોડાયેલું પણ પછી આશા પારેખ હેન્ડસમ હિ-મેન ધર્મેન્દ્ર તરફ વળી ગયેલી એવું કહેવાય છે. ધર્મેન્દ્રના કારણે આશા પારેખે પંજાબી ફિલ્મોમાં પણ કામ કરેલું.
ધર્મેન્દ્રનું હેમા માલિની સાથે અફેર ચાલતું હતું ત્યારે જ રાખી સાથે પણ અફેર થયાનું કહેવાય છે. રાખીનાં લગ્ન ગુલઝાર સાથે થયેલાં પણ બંને લગ્નના એક વર્ષમાં જ છૂટાં પડી ગયાં તેનું કારણ રાખીનું ધર્મેન્દ્ર સાથે અફેર હોવાનું કહેવાય છે. હેમા સાથેનું અફેર તો બહુ જાણીતું છે પણ હેમા સાથે લગ્ન પછી ધર્મેન્દ્રનું ૧૯૮૦ના દાયકામાં ૨૭ વર્ષ નાની અનિતારાજ સાથેનું અફેર પણ ચર્ચાસ્પદ રહેલું. હેમાને આ વાતની ખબર પડતાં તેણે ધર્મેન્દ્ર પર અનિતા સાથે કામ કરવા પર પ્રતિબંધ મૂકી દીધેલો. જયાપ્રદા સાથે ધર્મેન્દ્રના અફેરની વાતો પણ ચગી હતી.
આ તો જાણીતી હીરોઈનો સાથેના અફેરની વાતો થઈ પણ આશા સચદેવ, પ્રેમા નારાયણ, બંગાલી એક્ટ્રેસ પ્રણોતી ઘોષ સહિતની બહુ જાણીતી નહીં પણ હોટ મનાતી હીરોઈનો સાથે પણ ધર્મેન્દ્રનાં અફેર રહ્યાં. પંજાબી ફિલ્મોની તો સંખ્યાબંધ હીરોઈનો સાથે ધર્મેન્દ્રનાં અફેર હોવાનું કહેવાય છે. માલા જગ્ગી, ઈન્દિરા બિલ્લી ઉર્ફે ઈન્દિરા કૌર, રાધા સલુજા, દિલજીત કૌર સહિતની સંખ્યાબંધ હીરોઈનો સાથે ધર્મેન્દ્રનાં અફેર હોવાનું કહેવાય છે.
રસપ્રદ વાત એ છે કે, આ બધાં અફેર્સ છતાં ધર્મેન્દ્રની ઈમેજ છિછરા કે લફરાંબાજ તરીકેની ના પડી. ધર્મેન્દ્ર એકદમ હેન્ડસમ હતા તેથી લોકોએ તેમનાં અફેર્સને પણ સહજતાથી સ્વીકાર્યાં.
ધર્મેન્દ્રને સૌથી વધારે અફસોસ કઈ વાતનો હતો ?
ધર્મેન્દ્રને પોતે બેફામ દારૂ પીતા એ વાતનો અફસોસ હતો. આ દારૂના નશામાં એક વાર તેમણે પિતાનો કોલર પકડી લીધો હતો અને ગાળાગાળી કરી નાખી હતી. ધર્મેન્દ્રે સ્વીકાર્યું છે કે, હું જવાનીના જોશમાં હતો ને નશાના કારણે ભાન ગુમાવી બેઠેલો. આ ઘટના માટે તેમના પિતાએ તો તેમને માફ કરી દીધેલા પણ ધર્મેન્દ્ર કદી પોતાની જાતને માફ ના કરી શક્યા. પોતે આવી નીચ હરકત કરી તેનો બોજ આખી જીંદગી રહ્યો. ધર્મેન્દ્રને દારૂની લત એ હદે હતી કે, શોલેના શૂટિંગ વખતે ચાર કલાકમાં જ બીયરની ૧૨ બોટલ પી ગયા હતા. ધર્મેન્દ્રે પોતે ૨૦૦૦ની સાલમાં દારૂ છોડી દીધો હોવાનો દાવો કરેલો પણ શરાબની લત માટે અફસોસ કરતા હતા. ૨૦૦૭માં એક ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રે સ્વીકારેલું કે, મેં મારી જીંદગીમાં દારૂને સ્પર્શ જ ના કર્યો હોત તો આજે હું અલગ જ ધર્મેન્દ્ર હોત કેમ કે શરાબ બહુ ખરાબ ચીજ છે અને બહુ ખરાબ અસર કરે છે. શરાબની લત ના હોત તો હું ઘણી બધી બાબતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શક્યો હોત ને બહુ સારાં કામ કરી શક્યો હોત કે જે હું ના કરી શક્યો. ધર્મેન્દ્રના જીવનમાંથી લોકો આ વાત શીખે તો પણ ઘણું છે. sanjogpurti@gmail.com









































