હેટ સ્પીચનો ગુજરાતી અનુવાદ અપ્રિય ભાષણ કે બોલી થાય છે. ભારતના કોઈપણ કાયદામાં તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં પણ નથી. પણ તેના જુદા જુદા અર્થઘટનો છે. યુનાઇટેડ નેશને ૨૦૧૯મા ‘સ્ટ્રેટેજી એન્ડ પ્લાન ઓફ એક્શન ઓન હેટસ્પીચ’ નામે પોતાના ઉદ્દેશો બહાર પડેલા. આંતરરાષ્ટ્રીય સ્તરે તેને કેમ અંકુશમાં લઇ શકાય અને યુનો તેમાં કેમ મદદરૂપ થઇ શકે એવી એડવાઇઝરી હતી. યુનો હેટસ્પીચને વૈશ્વિક સમસ્યા ગણે છે. કેમ્બ્રિજ યુનીવર્સીટીએ કઈક આવી વ્યાખ્યા કરી છે, “કોઈ જાહેર ભાષણ કે નિવેદન કે જે બીજા કોઈ વ્યક્તિ કે વર્ગની જાતિ, ધર્મ, લિંગ કે લિંગભેદ વિશે નફરત ફેલાવતું હોય કે હિંસાની ઉશ્કેરણી કરતુ હોય.” ભારતમાં આવા ભાષણો કે નિવેદનો કે લખાણો અંગે ધ ઇન્ડિયન પીનલ કોડ ૧૮૬૦, ધ રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ ૧૯૫૧, ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એક્ટ ૧૯૫૫, ધ રીલીજીયસ ઇન્સ્ટીટયુશન એક્ટ ૧૯૮૮, ધ કેબલ ટેલીવિઝન નેટવર્ક રેગ્યુલેશન એક્ટ ૧૯૯૫, ધ સિનેમેટોગ્રાફ એક્ટ ૧૯૫૨, ધ કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીજર ૧૯૭૩ જેવા કાયદાઓમાં વિવિધ પ્રવધાનો કરવામાં આવ્યા છે. આ બધી પુસ્તકોમાં લખેલી અને મોટા માણસો કે સંસ્થાઓએ એ આપેલી સલાહો આધારિત વ્યવસ્થા અને વ્યાખ્યાઓ છે. રાજકીય ઓથ લઈને શેરીમાં ઉતરતી પ્રજા માટે આ કાયદાઓ અને સલાહો કોઈ મહત્વ રાખતા નથી. સાર્ત્રે કહ્યું હતું કે ‘અધર ઈઝ હેલ’, બીજો નરક છે. જે મારા જેવો ધર્મ નથી ધરાવતો, મારા જેવી ભાષા, પહેરવેશ નથી ધરાવતો, મારા જેવો નેતા નથી ધરાવતો એ અધમ છે. એને જીવવાનો અધિકાર નથી.

બોલવું એ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે. ભારતીય બંધારણની કલમ ૧૯(૨) ભારતના તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. પણ આ સ્વતંત્રતા અમુક પ્રતિબંધોને આધિન છે. દેશનું સાર્વભૌમત્વ, અખંડીતતા, રાજ્યની સુરક્ષા, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સબંધો, જાહેર વ્યવસ્થા, શિષ્ટાચાર, નૈતિકતા જોખમાય કે અદાલતનો તિરસ્કાર, બદનક્ષી કે ગુનાને ઉશ્કેરણ થાય તેમ આ સ્વતંત્રતાનો ઉપભોગ થઇ શકતો નથી. આ સ્વાતંત્ર્ય એબ્સોલ્યુટ નથી. મર્યાદાઓ સાથે છે. શબ્દ અમર છે, લખાયેલો હોય ચાહે બોલાયેલો હોય. લખાઈને પ્રગટ થઇ ગયા પછી અને બોલાઈ ગયા પછી કર્તાનો તેના પર અંકુશ રહેતો નથી. તેની અસર, પ્રતિક્રિયા, પરિણામ, જેના વિશે શબ્દો છે તેના પર આધાર રાખે છે. જીન્નાનો ‘મુસ્લિમ ઇન્ડિયા’ શબ્દ સીતેર વર્ષ બાદ પણ એટલી જ આક્રમકતા ધરાવે છે. હિન્દુસ્તાનમાં સૌથી વધારે બટકણી લાગણી ધાર્મિક લાગણી છે. એણે બટકવા બે શબ્દો કાફી છે. ૧૯૯૩મા હાર્વર્ડ યુનીવર્સીટીના પ્રોફેસર સેમ્યુઅલ હન્ટિંગટને ‘સંસ્કૃતિઓનો સંઘર્ષ’ નામના પોતાના નિબંધમાં આવનારું યુદ્ધ સંસ્કૃતિક ટકરાવથી ઉભું થવાની વાત કહી છે. એમણે કહ્યું હતું કે હવે યુદ્ધ બે દેશ વચ્ચે નહિ પણ બે સંસ્કૃતિઓ વચ્ચે થશે. હન્ટિંગટને દર્શાવ્યું છે કે હવેના વિશ્વમાં રાજકીય વિચારધારાના કે આર્થિક ક્ષેત્રના સંઘર્ષો થવાને બદલે ધર્મને કેન્દ્રમાં મૂકનારી સંસ્કૃતિઓ, સભ્યતાઓ વચ્ચેના સંઘર્ષો પ્રવર્તશે. હન્ટિંગટન વિશ્વને મુખ્ય આઠ સભ્યતાઓમાં વહેંચે છે, પશ્ચિમ, લેટીન અમેરિકન, ઇસ્લામિક, સિનિક (ચાઇનીઝ), હિંદુ, ઓર્થોડોક્સ, જાપાનીઝ અને આફ્રિકન. હન્ટિંગટનના તારણ મુજબ વિશ્વ પર પશ્ચિમના અધિપત્ય સામે આવનારા સમયમાં મોટામાં મોટો અવરોધ ઇસ્લામની કટ્ટરતા રહેશે અને એટલે જ પશ્ચિમનું મોટું યુદ્ધ અનિવાર્ય પણે ઇસ્લામ સાથે રહેશે. વિશ્વની સૌથી મોટી બે ધાર્મિક વિભાવનાઓ હિંદુ અને ઇસ્લામ બંને હિન્દુસ્તાનમાં એક સાથે શ્વાસ લઇ રહી છે.

નદીતટની સંસ્કૃતિ વખતથી માણસ જુથમાં રહેતો આવ્યો છે. જેમ જેમ માનવજાત વિકાસ કરતી ગઈ તેમ તેમ જૂથોની સંખ્યા અને ભાત્ય વધતી ગઈ. માનવજાતને અલગ થવાના અનેકો કારણો છે. અલગ અલગ મુદ્દા આધારે માનવજાતનું સતત સુક્ષ્મ વિભાજન થતું રહ્યું છે. આજે પણ નવો ધર્મ, નવો પ્રદેશ, નવી ભાષા સપાટીની નીચે પ્રજાના ટુકડાઓ પડતા રહે છે. હિન્દુસ્તાનમાં બે ધર્મનો હજાર વર્ષનો સંઘર્ષ છે. રાજાશાહી, સામંતશાહી, કે લોકશાહી, રાજ્ય વ્યવસ્થાઓ કાળક્રમે બદલાતી ગઈ, પણ બંને છેડે સંઘર્ષની એક બાબત જે કાયમ રહી એ ધર્મ છે. ભારતમાં ધર્મ એક એવી બાબત રહી છે જેને લઈને તમે આમ જનતાની આસાનીથી ઉશ્કેરણી કરી શકો છો. પથ્થરો લઈને શેરીમાં ઉતારી શકો છે. આ ધ્રુણા પાછળ હજાર વર્ષની લોહિયાળ તવારીખ છે. કાર્લ માર્કસે કહ્યું હતું કે ‘ધર્મ એ લોકોનું અફીણ છે.’ માર્ક્સનું બીજું વિધાન હતું કે “ધાર્મિક વિશ્વ વાસ્તવિક દુનિયાનું પ્રતિબિંબ છે.” કદાચ પ્રજાને બે ભાગમાં ચીરી નાખવાનું કામ ધર્મ સૌથી સરળતાથી કરી શકે છે. હિન્દુસ્તાનમાં આ સગવડ સહેલાઈથી મળી જાય તેમ છે, તેનું કારણ છે, એક આંખથી ફોકસ કરતો નેતાઓનો એક ખાસ વર્ગ છે જે પથ્થરના રંગના આધારે પક્ષપાત કરી જાણે છે. દેશની એંસી ટકા વસ્તીને લઘુમતી ગણવાની એમની ઘાતક માનસિકતા એ એંસી ટકાની સહસ્ત્ર વરસોની આસ્થાને સતત ઠોકર મારતી રહે છે.

આ નિવેદનો આધારે થતા ધાર્મિક સંઘર્ષો સૂચવે છે કે સંસ્કૃતિઓ વચ્ચેની અંટસ જીવતી છે. રાજકીય આકાઓ સ્પાર્ક આપ્યે રાખે છે. નાનાનાના સ્પાર્ક થતા રહે ત્યાં મોટા વિસ્ફોટની વકી અવગણી શકાય નહિ.

શબ્દ શબ્દ તુ ક્યાં કરે, શબ્દકો હાથ ન પાંવ, એક શબ્દ ઔષધ કરે, દુસરા કરે ઘાવ.

    ક્વિક નોટ – ૧૯૪૭માં દેશના વિભાજન વખતે ડૉ આંબેડકર અને જીન્નાએ એકી અવાજે કહ્યું હતું કે હિંદુઓ હિન્દુસ્તાનમાં આવી જાય અને મુસ્લિમો પાકિસ્તાનમાં આવી જાય. ત્યારે નહેરુએ કટાક્ષ કર્યો હતો કે જીન્ના એક કાયદાબાજ વકીલ છે, એ જાણતા નથી કે એક પ્રજાને એક ધરતીમાંથી ઉખેડીને બીજી ધરતીમાં રોપવી કેટલું અમાનુષી કૃત્ય છે.