અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ ઠુંમરના જણાવ્યા મુજબ, હવે અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ આવશે. આ માટે ડાયમંડ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, દર શનિવાર અને રવિવારે મહારાષ્ટ્ર, સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાંથી હીરાના વેપારીઓ ખરીદી કરવા માટે અમરેલી આવશે. અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગ પર નિર્ભર છે.
છેલ્લા ઘણા સમયથી, વેપારી અને ડાયમંડ એસોસિએશન દ્વારા આ ઉદ્યોગને ફરીથી ગતિશીલ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આખરે, આ પ્રયાસો સફળ રહ્યા છે અને આ નિર્ણયથી અમરેલીના સ્થાનિક વેપારીઓ અને રત્નકલાકારોને ખૂબ જ ફાયદો થશે. આ પગલાથી ફરી એકવાર હીરા ઉદ્યોગ ધમધમતો થશે અને જિલ્લાની આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે.