ભારતમાં ૨૦૨૬માં વસતી ગણતરી શરૂ થશે. કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે, ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન વસતી ગણતરીનો પહેલો તબક્કો હાથ ધરાશે જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી ૨૦૨૭માં હાથ ધરાશે. પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરીને તમામ ઘરોની નોંધણી કરાશે અને બીજા તબક્કામાં વસતી ગણતરી માટે નિમાયેલો સ્ટાફ ઘરે ઘરે ફરીને દરેક ઘરમાં કેટલાં લોકો રહે છે તેની વિગતો મેળવશે.
ભારતમાં ૧૯૫૧થી દર દસ વરસે વસતી ગણતરી કરાય છે અને છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં થઈ હતી. ૨૦૨૧માં વસતી ગણતરી થવાની હતી પણ કોવિડને કારણે મુલતવી રખાતાં હવે ૫ વર્ષ પછી વસતી ગણતરી હાથ ધરાશે. આ વસતી ગણતરી માટે રૂપિયા ૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર કરી દેવાયું છે અને વસતી ગણતરી ડિજિટલી કરવાનું પણ નક્કી કરાયું છે. મતલબ કે, વસતી ગણતરી કરનારા તમારા ઘરે આવે તેની રાહ જોવાની જરૂર નથી. નાગરિકો પોતે પોતાની માહિતી ઓનલાઇન ભરીને વસતી ગણતરીમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન માહિતી ના ભરી હોય એવા નાગરિકોના કિસ્સામાં ફિલ્ડ અધિકારીઓ ઘરે જશે પણ ઘરે જઈને પણ ડેટા કલેક્શન તો મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને જ કરાશે.
આ વસતી ગણતરી જ્ઞાતિ આધારિત હશે તેથી દેશમાં પહેલી વાર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી થશે. ભારતમાં આઝાદી પછી કદી જ્ઞાતિ આધારિત વસતી ગણતરી થઈ નથી પણ મોદી સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની પહેલ કરી છે. આ પહેલાંની વસતી ગણતરી વખતે વસતી ગણતરીના ફોર્મમાં વ્યક્તિની જ્ઞાતિ નહોતી પૂછાતી. દેશમાં સૌથી પછાત મનાતી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ઉલ્લેખ કરાયો છે પણ જ્ઞાતિ નહોતી પૂછાતી.
ભારતમાં ૧૯૫૧માં પહેલી વસતી ગણતરી થઈ ત્યારથી આ નિયમ પળાય છે તેનું કારણ અંગ્રેજ સરકારનો અનુભવ હતો. અંગ્રેજોના શાસનમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી થતી. ૧૯૩૧ની વસતી ગણતરી જ્ઞાતિ આધારિત હતી. અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોમાં માનતા તેથી લોકોને જ્ઞાતિઓના આધારે લડાવવા આ ધંધો કર્યો. આઝાદ ભારતમાં રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવીને જ્ઞાતિવાદને જાકારો આપવા જ્ઞાતિનો ઉલ્લેખ બંધ કરી દેવાયેલો પણ ભાજપ સરકાર ફરી અંગ્રેજોની પ્રથા પાછી લાવી રહી છે.
બે વર્ષ પહેલાં યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનપીએફએ) દ્વારા ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ બની ગયો છે એવું સત્તાવાર રીતે જાહેર કરાયું હતું. આ જાહેરાત પ્રમાણે ચીનની વસતી ૧૪૨.૫૭ કરોડ જ્યારે ભારતની વસતી ૧૪૨.૮૬ કરોડ હતી. ચીન કરતાં ભારતની વસતી ૨૯ લાખ વધારે હતી પણ અત્યારે ભારત ચીન કરતાં કેટલું આગળ છે એ ખબર નથી. ચીનમાં છેલ્લાં બે વર્ષથી વસતીમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જ્યારે ભારતમાં વસતી વધારો રોકાતો નથી તેથી ભારત અને ચીન વચ્ચે કેટલો ગાળો છે એ પણ વસતી ગણતરી સ્પષ્ટ કરશે.
ભારતમાં હિન્દુઓ લઘુમતી બની જશે ?
લાંબા સમયથી આ સવાલ ચર્ચાઈ રહ્યો છે અને હિંદુવાદી નેતાઓ તો ખુલ્લેઆમ આ ચેતવણી આપે છે. આ વખતની વસતી ગણતરીના કારણે આ ડર સાચો છે કે નહીં તેની ખબર પડશે કેમ કે વસતી ગણતરીના આંકડાને આધારે દોઢ દાયકામાં હિંદુઓમાં વસતી વધારાનું પ્રમાણ અન્ય ધર્મનાં લોકો અને ખાસ તો મુસ્લિમોની સરખામણીમાં કેટલું છે એ સ્પષ્ટ થશે.
ગયા વરસે ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ ટુ પ્રાઈમ મિનિસ્ટર PM-EAC નો રિપોર્ટ બહાર આવ્યો હતો. આ રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરાયો કે, આઝાદીથી અત્યાર સુધીમાં ભારતમાં દેશની વસતીમાં હિંદુઓના પ્રમાણમાં ૭.૮ ટકાનો ઘટાડો થયો છે જ્યારે મુસ્લિમોની વસતીમાં ૪૩ ટકાનો વધારો થયો છે.
આઝાદી પહેલાં બ્રિટિશ ઈન્ડિયાની કુલ વસતી ૩૯ કરોડ હતી. તેમાંથી ૮ કરોડ લોકો પાકિસ્તાનમાં ગયાં તેથી ભારતની વસતી ૩૧ કરોડ રહી. આઝાદી પછી ૧૯૫૧માં પહેલી વસતી ગણતરી થઈ ત્યારે વસતી ૩૬ કરોડ થઈ હતી. એ વખતે ભારતની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો ૮૪ ટકા હતો તે ૨૦૧૫માં ઘટીને ૭૮ ટકા થઈ ગયો એવું રિપોર્ટ કહે છે. બીજી તરફ ૧૯૫૧માં દેશની કુલ વસતીમાં મુસ્લિમોનો હિસ્સો ૯.૮૪ ટકા હતો પણ ૬૫ વર્ષમાં દેશની કુલ વસતીમાં મુસ્લિમોનો હિસ્સો વધીને ૧૪.૦૯ ટકા થયો છે.
આ રિપોર્ટના પગલે હિંદુઓ ધીરે ધીરે ભારતમાં લઘુમતી બનવા તરફ આગળ વધી રહ્યા હોવાનો સૂર કઢાયો હતો.
દેશની કુલ વસતીમાં આ સમયગાળા દરમિયાન ખ્રિસ્તીઓની વસતીમાં ૫.૩૮ ટકા, સીખોમાં ૬.૫૮ ટકા અને બૌદ્ધોમાં ૦.૪ ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો. ભારતમાં હિંદુઓનું પ્રમાણ કુલ વસતીમાં ઘટ્યું તેના કારણે બીજા ધર્મનાં લોકોની વસતીનું પ્રમાણ વધ્યું એવો સૂર આ રિપોર્ટ પરથી નીકળતો હતો પણ આ રિપોર્ટમાં ક્યા ધર્મનાં કેટલાં લોકો ભારતમાં રહે છે તેના ચોક્કસ આંકડા નહોતા.
વસતી ગણતરી ચોક્કસ આંકડા આપશે તેથી ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ ટુ પ્રાઈમ મિનિસ્ટર (ઁસ્-ઈછઝ્ર)નો રિપોર્ટ ખરેખર કેટલો ચોક્કસ છે એ સ્પષ્ટ થશે. ભારતની વસતીમાં હિંદુઓનું પ્રમાણ ઘટી રહ્યું છે અને મુસ્લિમોનું વધી રહ્યું છે એ વાત નવી નથી. ભારતમાં દરેક દાયકામાં થયેલી વસતી ગણતરીના આંકડા તેનો પુરાવો છે. છેલ્લા બે દાયકાની વસતી ગણતરીના આંકડા પ્રમાણે ૧૯૯૧-૨૦૦૧ના દાયકામાં હિન્દુઓની વસતી ૧૯.૯૨ ટકા વધી તો સામે મુસ્લિમોની વસતી ૨૯.૫૨ ટકા વધી હતી.
૨૦૦૧-૨૦૧૧ના દાયકામાં હિન્દુઓના વસતી વધારાનો દર ૧૮.૬૦ ટકા હતો જ્યારે મુસ્લિમોની વસતી વધારાનો દર ૨૪.૬૦ ટકા હતો. આ બંને દાયકામાં હિંદુઓ કરતાં મુસ્લિમોમાં વસતી વધારાનો દર ૫ ટકાથી ૧૦ ટકા વધારે છે. આ હાલત દરેક દાયકામાં રહી છે અને આ ઉંચા વસતી વધારા દરના કારણે દેશની વસતીમાં મુસ્લિમોનું પ્રમાણ વધી રહ્યું છે.
વસતી ગણતરીના પરિણામે હિંદુ વસતી વિસ્ફોટનો ટ્રેન્ડ શરૂ થશે ?
ભારત ભવિષ્યમાં મુસ્લિમ રાષ્ટ્ર બની જશે એવી ચેતવણીઓ હિંદુ આગેવાનો દ્વારા વારંવાર અપાય છે. હિંદુ આગેવાનો ચીમકી આપે છે કે, ભારતની કુલ વસતીમાં હિંદુઓનું પ્રમાણ ઘટશે તો ભવિષ્યમાં ભારતમાં હિંદુઓનો પ્રભાવ ઘટી જશે અને હિંદુઓ પર મુસ્લિમો હાવી થઈ જશે. દુનિયામાં હિંદુઓની બહુમતી ધરાવતા ભારત અને નેપાળ એ બે જ દેશ છે પણ નેપાળ બહુ નાનો દેશ છે. દુનિયાની હિંદુઓની કુલ વસતીમાંથી ૯૦ ટકા કરતાં વધારે હિંદુ ભારતમાં રહે છે તેથી ભારતમાં હિંદુઓની વસતી સતત ઘટતી રહેશે તો ભવિષ્યમાં ભારત પણ મુસ્લિમ રાષ્ટ્ર બની જશે એવી ચેતવણીઓ પણ અપાય છે.
હિંદુ આગેવાનો તો હિંદુત્વને બચાવવા માટે હિંદુઓએ વધારે છોકરાં પેદા કરવા જોઈએ એવી અપીલ પણ કરશે. હિંદુ આગેવાનો કહે છે કે, આ દેશમાં હિંદુ એકલા કુટુંબ નિયોજન અપનાવે છે જ્યારે મુસ્લિમો તો ધડાધડ સંતાનો પેદા કર્યા કરે છે. આ જ સ્થિતી રહી તો હિંદુઓ લઘુમતીમાં આવી જશે તેથી હિંદુવાદીઓએ વધારે સંતાનો પેદા કરવા જોઈએ ને મુસ્લિમોની વસતી વધે છે એ રીતે હિંદુઓની વસતી પણ કૂદકે ને ભૂસકે વધવી જોઈએ.
બહુમતી હિંદુઓને આ વાતો અપીલ નથી કરતી કેમ કે સંતાનોનો બોજ હિંદુ પરિવારોએ ઉઠાવવાનો છે, હિંદુવાદી આગેવાનોએ નહીં. સતત વધી રહેલા ખર્ચા અને મોંઘવારીના કારણે હિંદુ પરિવારો હવે બે સંતાનો પેદા કરવા પણ તૈયાર નથી.
અલબત્ત વસતી વધારામાં મુસ્લિમોની વસતી અનેક ગણી વધી રહી હોવાનું સાબિત થાય તો હિંદુઓમાં પણ વધારે બાળકો પેદા કરવાનો ટ્રેન્ડ આવી જાય એ શક્ય છે. તેના કારણે હિંદુઓને કોઈ ફાયદો નથી પણ ધર્મના નામે પેદા કરતા ડરને લોકો ગંભીરતાથી લે છે. સત્તાવાર રીતે થયેલી વસતી ગણતરીના આધારે મુસ્લિમો આપણા પર ચડી બેસશે એ ડર સાચો પડતો લાગે તો હિંદુઓમાં પણ વધારે બાળકોનો ટ્રેન્ડ શરૂ થાય એ શક્ય છે.
sanjogpurti@gmail.com









































