પંચમહાલ જિલ્લાના હાલોલ ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થતાં જ ગ્રામજનોમાં અસંતોષ અને ફરિયાદો વધવા લાગી છે. હાલોલ તાલુકાના ટાઢોડીયા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખેડૂત નારણ બારીયાને સ્માર્ટ મીટર લગાવ્યા બાદના માત્ર ૧૫ દિવસમાં જ ૫૦,૦૦૦નું વીજબિલ મળ્યું છે. હંમેશા બે મહિનાનું આશરે ૧,૦૦૦ જેટલું બિલ ચૂકવતા ખેડૂત આટલો મોટો આંકડો જાઇને ચોંકી ઉઠ્યો હતો. એક વર્ષનું સામટું બિલ પણ જેટલું નથી આવતું તેટલું બિલ માત્ર ૧૫ દિવસનું જ આવ્યું છે. નારણભાઈનું જૂનું વીજ મીટર ૫ આૅક્ટોબરે બદલીને સ્માર્ટ મીટર મૂકાયું હતું. બધું સામાન્ય રીતે ચાલતું હતું, પરંતુ ૧૭ આૅક્ટોબરે તેમના ફોન પર આવેલા મેસેજથી તેઓ ચોંકી ઉઠ્યા હતા. મેસેજમાં બિલની રકમ ૫૦,૦૨૦.૩૧ દર્શાવવામાં આવી હતી. આૅનલાઈન સિસ્ટમ ચેક કરતાં પણ એ જ આંકડો દેખાતા ખેડૂતની ચિંતા વધી હતી. સામાન્ય રીતે આવતું બિલ અચાનક પાંચ હજાર ગણું થઇ જવાથી તેઓ હતપ્રભ થઇ ગયા હતા.