વિયેતનામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. શનિવારે હાલોંગ ખાડીમાં પ્રવાસીઓથી ભરેલી હોડી પલટી જતાં ઓછામાં ઓછા ૩૪ લોકોના મોત થયા છે અને એક ડઝનથી વધુ લોકો ગુમ છે. આ અકસ્માત ખરાબ હવામાનને કારણે થયો હતો. સરકારી મીડિયા અનુસાર, બોટમાં કુલ ૫૩ લોકો સવાર હતા. દક્ષિણ ચીન સમુદ્રમાંથી ‘વિફા’ વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બપોરે ૨ વાગ્યે (સ્થાનિક સમય) બોટ પલટી ગઈ. આ સમય દરમિયાન, વિસ્તારમાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પડવાના અહેવાલો હતા.

સ્થાનિક સમાચાર વેબસાઇટે અહેવાલ આપ્યો છે કે મોટાભાગના મુસાફરો રાજધાની હનોઈના હતા. રાહત અને બચાવ ટીમો હજુ પણ બચી ગયેલા લોકોને શોધી રહી છે. પ્રવાસીઓની રાષ્ટ્રિયતાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વિયેતનામની સરકારી સમાચાર એજન્સીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે બચાવ ટીમોએ અત્યાર સુધીમાં ૧૧ લોકોને જીવતા બચાવ્યા છે અને ૩૪ મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોમાં ૮ બાળકોનો પણ સમાવેશ થાય છે.

રાજધાની હનોઈથી લગભગ ૨૦૦ કિલોમીટર ઉત્તરપૂર્વમાં સ્થિત હાલોંગ ખાડી દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. અહીં બોટ સવારી ખૂબ જ લોકપ્રિય છે. ‘વિફા’ આ વર્ષે દક્ષિણ ચીન સમુદ્રમાં ત્રાટકનાર ત્રીજું વાવાઝોડું છે, જે આવતા અઠવાડિયાની શરૂઆતમાં વિયેતનામના ઉત્તરી કિનારા પર ટકરાઈ શકે છે. વાવાઝોડાને કારણે હવામાન ખરાબ થયું હતું, જેના કારણે હવાઈ મુસાફરી પર પણ અસર પડી હતી. નોઈ બાઈ એરપોર્ટે જણાવ્યું હતું કે શનિવારે ૯ આવનારી ફ્લાઇટ્‌સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી અને ૩ ફ્લાઇટ્‌સનું પ્રસ્થાન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે સંરક્ષણ અને જાહેર સુરક્ષા મંત્રાલયોને તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા વિનંતી કરી.