મને શંભાએ ફોન કરીને કીધું – મારા બાપા નથી રહ્યા. તારી રીતે બધે મૃત્યુનોંધ આપી દેજે. Nilesh પાસેથી વિગત લઇ લેજે… તારી રીતે જોઇ લેજે… વગેરે…
આઇ વોઝ શોક્ડ…
શોક્ડ એટલા માટે કે એમની આ વિદાય થોડી વહેલી કહેવાય…
આઇ વોઝ શોક્ડ… કારણ કે નવા રતનપરની એક નોંધપાત્ર વ્યક્તિ… એટલું જ નહીં એક સમયે હું એમના અભિનયનો ચાહક હતો.
પ્રાથમિકમાં ભણતા એ વખતની વાત. મેં એમને એ દિવસોમાં જીતેન્દ્ર, ગોવિંદા કે નરેશ કનોડિયા અથવા તો ઉપેન્દ્ર ત્રિવેદી જેવી એનર્જેટીક શૈલીની અભિનયક્ષમતામાં જોયા છે. કેટકેટલાં રૂપ એમણે ધારણ કરેલાં ? નવરાત્રીના ખેલોમાં એ ઓલરાઉન્ડર અભિનેતા હતા. એમનું પાત્ર નાનું હોય કે મોટું – હકા ભગવાન ભજવે એટલે એ જાનદાર બની જાય. કેવું એમનું પાત્ર વૈવિધ્ય ? એક બાજુ રાજા ઇન્દ્રનો રોલ ભજવે તો બીજી બાજુ ચાંદાલનું પાત્ર – રાજા હરિશ્ચન્દ્રના ખેલમાં. અને ચાંદાલની એન્ટ્રી વળી કેવી અનોખી અને જોરદાર રીતે થાય ? સ્ટેજથી દૂર ઓડિયન્સની વચ્ચેથી એ પ્રગટ થાય. હું તો રીતસરનો ચોંકી જતો. એ સાવરણો, એ સફાઇ કામદારનો અસલ વેશ. અને એ સાદ સાંભળજો કહીને બૂમ પાડતા આવે. લોકોનું ધ્યાન સ્ટેજ પરથી ડાયવર્ટ થઇને એમના તરફ મંડરાઇ જતું. એ એમના અભિનયની તાકાત હતી. સ્કીપ્ટની જરૂરિયાત ન હોય અને પાત્રાલેખન સાથે સેટ ન થતું હોય એવું ઘણું બધું લઇ આવે તોય લોકોનું ધ્યાન એમના તરફ જ ખેંચાય. ઓરિજનલ સ્ક્રીપ્ટ પ્રમાણે ચાંદાલનું પાત્ર કદાચ કોમેડી નથી. પણ હકા ભગવાનના અભિનયમાં એ કોમેડી બની જાય. અને કોમેડી હોય તો જ ઓડિયન્સને ગમે. એમણે આ પાત્રનું એમનું મૌલિક પ્રેઝેન્ટેશન એટલું પ્રભાવશાળી રીતે આપ્યું કે ચાંદાલનું પાત્ર ભજવવા માટે આજની પેઢી હકા ભગવાનની જ નકલ કરે છે.
એવું જ એક પાત્ર રાહુનું. આ પાત્રને કોમેડીમાં કન્વર્ટ કરી શકાય એવું કોઇ વિચારી જ ન શકે. પણ જળપુત્ર જાલંધરના ખેલમાં રાહુનું પાત્ર હકા ભગવાન દ્વારા ભજવાતું જુઓ તો તમે હસી હસીને બઠ્ઠા પડી જાવ. રાહુનો સીસકારો તો એવો અસ્સલ કે આવનારી પેઢીને કદાચ એમની નકલ કરવી હશે તો પણ અઘરી પડશે.
માત્ર નાટકોમાં જ નહીં, ભવાઇનું અભિન્ન અંગ કહેવાય છે એવા રંગલા-રંગલીના ખેલમાં તો એ ગજબના ખીલી ઊઠતા. જે રીતે અન્યત્ર જોવા મળે છે એવો રંગલા રંગલીનો ફુલ સાઇઝ ખેલ અમારે ત્યાં રતનપરમાં નહીં. પણ જે રીતે ટીવી ઊપર ફિલ્મ જોતા હોઇએ ત્યારે શોનો ખર્ચો કાઢવા માટે જાહેરાતો બતાવે તેમ અમારૂ઼ નવરાત્રી મંડળ પણ આ પ્રવૃતિને જીવતી રાખી શકે તે પૂરતું ભંડોળ ઊભું કરવા માટે આરતીના ચડાવા વગરે ઉપરાંત એક પ્રકારની જાહેરાત કહી શકાય એવો રંગલા-રંગલીનો ખેલ મૂકે. એમાં રંગલો ઓડિયન્સમાંથી ફરમાઇશી ઓર્ડર લઇ આવે એટલે કે ઓડિયન્સ અમુક રૂપિયા આપીને રંગલા રંગલી પાસે ગીત, રાસ, ગરબા વગરે ગવડાવે. એટલે અમારા ગામનો રંગલા-રંગલીનો ખેલ એટલે સામાન્ય રીતે મંડળ માટે આવક ઊભી કરવાનું સાધન. એટલું જ નહીં કોઇ નાટક ચાલુ હોય અને જે તે પાત્રને તૈયાર થવામાં વાર લાગે એમ હોય કે બીજા કોઇ પણ કારણસર ચાલુ નાટક આગળ વધારવામાં કંઇ પણ રૂકાવટ હોય તો અમારા ગામમાં રંગલા-રંગલીને તાત્કાલીક પટમાં ઉતારી દેવામાં આવે કારણ કે એ દરમ્યાન ઓડિયન્સને પકડી રાખવાનું હોય. આ વચ્ચે આવતા ગીત ગાતા રંગલા રંગલીને અમે નાચણિયું-કુદણિયું પણ કહેતા. ક્યારેક જાહેરાત પણ કહેતા. એમનો અભિનય એ તો માત્ર માતાજીની સેવા પ્રવૃતિનો એક ભાગ હતો. પણ મારે મન એ હોલીવૂડ કે બોલીવૂડના એક સારા કોમેડિયનથી સ્હેજ પણ ઉતરતા નહોતા… હકા ભગવાનની વિદાય મારા અને મારી પેઢીના ચાઇલ્ડહૂડ વખતમાં જોયેલા એક સ્ટારની વિદાય છે. અમે રાજ કપૂર, ચાર્લી ચેપ્લીન, ગોવિંદા, જીતેન્દ્ર, જોય મુકર્જી, જોની લીવર કે કિશોર કુમાર જેવા અનેક અનેક હાઇ એનર્જેટીક કોમેડી માસ્ટરોની દુનિયા જોતા પહેલા અમે હકા ભગવાનની કોમેડી જોયેલી. અને આટલા મોટા માસ્ટરોને જોયા પછી પણ હકા ભગવાનની કોમેડી દિમાગમાં એટલી જ તરોતાજા હોય તો એ કંઇ જેવી તેવી વાત નથી.