મોરબીમાં હવે પાટીદાર સમાજે ખાનગી ગરબા ક્લાસિસ સામે બાંયો ચડાવી છે અને આવા ક્લાસિસ બંધ કરાવવાની માગ કરી છે. ગરબા ક્લાસિસના નામે અન્ય પ્રવૃતિઓ થતી હોવાના અને આવારા તત્વો યુવતીઓને ફસાવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પરંપરાગત ગરબા છોડીને ફિલ્મી ગીતોને આધારે ગરબા કેવી રીતે હોઈ શકે? મૂળ પ્રાચીન ગરબાઓ ભૂલાવીને ભારતીય પરંપરા ખોવાઈ રહી છે. પાટીદાર જનક્રાંતિ સભા થકી ખાનગી ગરબા ક્લાસિસનો વિરોધ કરાયો છે. જો કે ગરબા ક્લાસિસમાં જતા લોકો અને ક્લાસિસના સંચાલકોએ આ નિર્ણય સામે સખ્ત વિરોધ નોંધાવ્યો છે.

મોરબી ડાન્સ ક્લાસિસ એસોસિએશન ના પ્રમુખ સંજય વ્યાસ એ જણાવ્યું છે કે દીકરીઓની સુરક્ષા માટે તેઓને ક્યાંય કડવો અનુભવ થયો હશે તો મને તે દાંડિયા ક્લાસિસ નું નામ આપે એટલે અમે તે દાંડિયા ક્લાસિસ બંધ કરાવી દઈશુ પરંતુ કોઈ એકાદ દાંડિયા ક્લાસિસ ના કારણે બધા ક્લાસિસ બંધ કરાવવાનો નિર્ણય અને બળજબરી યોગ્ય નથી અને જા બંધ કરવામાં આવે તો આખા ગુજરાતમાં બંધ કરવામાં આવે. ફક્ત મોરબી માટે અલગ નિયમ ન હોય અને થોડા દિવસ અગાઉ ઘણા બધા દાંડિયા ક્લાસીસમાં લોકો ક્લાસિસ બંધ કરાવવા પહોંચ્યા હતા તો આવું કરનારા આવારા તત્વો વિરુદ્ધ અમે રજૂઆત પણ કરી છે. આ માટે ચર્ચા કરવા તૈયાર છીએ દીકરા દીકરીના ક્લાસ અલગ કરવાની વાત છે તો અમે તૈયાર છીએ પરંતુ તો સામે મોરબીમાં જે નવરાત્રીઓ થાય છે તે નવરાત્રીમાં પણ દીકરા દીકરી માટે અલગ નવરાત્રીનું આયોજન કરવું જોઈએ.