આખરે અષાઢી વાદળાઓનો સમૂહ આકાશમાં દેખાવા લાગ્યો છે. જો બિયારણ કસદાર હોય તો મગફળીના વાવેતર પછી એ દાણા બે મહિના સુધી ટક્કર ઝિલી શકે છે. આવડે તો ખેતી, નહિતર ફજેતી એમ કંઈ અમથું તો નહિ કહેવાયું હોય ! ઉપરાંત જેઓ ખેડૂત નથી એને તો એમ જ છે કે પાણીથી જ પાક થાય છે. હકીકતમાં દરેક મોલાતમાં પવનની પણ બહુ જ મહ¥વની ભૂમિકા હોય છે. વાયરો વિફરે તો પાક નિષ્ફળ જઈ શકે છે. પવનની દિશા ઉપર પણ ઘણો આધાર રહે છે. ઉપર ઉપર વહેતો પવન ધરામાં ધરાયેલા બિયારણને ફાયદો કે નુકસાન કરી શકે છે. પવનના પારખુ ખેડૂતો તો તેઓ જ હોય જેઓ ખેતીમાં એક્કા હોય. બધાનું એ કામ નથી. આળસુ અને આરામપ્રિય કિસાનો કદી પવનને પારખી ન શકે. એ એના દુર્ભાગ્ય હોય છે.
જેમ પવનને તેમ આસમાનના તારા અને નક્ષત્રોને પણ જાણતલ ખેડૂતો પારખે છે. તેઓ આકાશમાં જોઈને કહી શકે છે કે કેટલા વાગ્યા છે. કારણ કે આખી જિંદગી એણે આભ અને ધરા વચ્ચે પસાર કરેલા હોય છે. ઠોઠ કિસાનો તો હરણિયાને પણ આભમાં ઓળખી ન શકે. આ વખતે ચોમાસુ મોડું હોવાનો આભાસ હવામાનશાસ્ત્રીઓએ ઊભો કર્યો છે, પરંતુ ખરેખર ચોમાસુ સમયસર છે. પૂનાની રાષ્ટ્રીય વેધશાળા કેન્દ્ર સરકાર અંતર્ગત છે અને એના વૈજ્ઞાનિકોને આગાહી કરવાની બહુ ઉતાવળ હોય છે. એ ઉતાવળના કારણો સુવિદિત છે. તેઓએ પહેલા આગાહી કરી કે અરે આ વખતે તો દસમી જૂન પછી ઘટાટોપ મેઘાડંબર જોવા મળશે કારણ કે ચોમાસુ વહેલું છે. પરંતુ એમ થયું નહિ.
પછી પશ્ચિમ ભારત માટે કોઈ પચ્ચીસમી જૂન તો કોઈ ત્રીસમી જૂન કહેવા લાગ્યા. બધાની ધારણા કરતા આ વખતે વરસાદ બહુ વહેલો આવ્યો. ખાનગી હવામાન કંપનીઓએ પણ આ વખતે ગોથા ખાધા છે. ખાનગી કંપનીઓ પણ એપ્રોચેબલ બની ગઈ છે એનાથી એની તટસ્થતા જોખમમાં મૂકાઈ છે. આપડા મલકના ખેડૂતો સાહસિક પણ છે એટલે ઘણાએ વહેલી વાવણી કરી છે. આવું સાહસ ક્યારેક મબલક પાક લાવે છે અને ક્યારેક ફરી વાવેતરની નોબત પણ વગાડે છે. ક્યારેક સામાન્ય જનોને એમ લાગે છે કે ખેતી એટલે તો ઠીક. એમાં કંઈ નવાઈ નથી. આમ વાવણી કરી ને આમ પાક લીધો. પણ ખરેખર એવું નથી. કોઈ પણ મલ્ટી નેશનલ કંપનીના ચેરમેન જેટલી બુદ્ધિ તો જોઈએ જ. બલકે એનાથી ક્યાંય વધુ ક્ષમતાઓની ખેતીમાં જરૂર પડે છે.
ભારતમાં ચોમાસાઓ કંઈ ઓછા નથી, અભ્યાસીઓ ઓછા છે. ભારતમાં પહેલું ચોમાસુ તે કેરળનું ચોમાસુ છે, જે ભારતીય મહાસાગરમાંથી ઉત્તર તરફ વહેતા પવનની સંગાથે દક્ષિણ ભારતથી પશ્ચિમ કાંઠાના સમુદ્રના કિનારે – કિનારે ઉપર આવીને ગોવા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચવા સુધીમાં વરસી જાય છે. બીજું ચોમાસુ તે અરબી સમુદ્રના પવનો પર ચડી આવતા વાદળોના દળ છે જે પશ્ચિમથી પૂર્વ તરફ આવે છે. આજકાલ એ સિસ્ટમ ચાલુ થયેલી છે, પરંતુ આકાશમાં મેઘયુક્ત વાદળોની ઘટ હોવાથી આ પવનો પરંપરા પ્રમાણે અત્યારે ખાલી વહેતા રહે છે. આ ઉપરાંત નૈઋત્ય દિશામાંથી પાછા ફરતા મોસમી પવનો વરસાદને લઈ આવે છે.
આના પછી પણ બંગાળના અખાતમાં જ્યારે હવાનું હળવું દબાણ (લો પ્રેશર) સર્જાય છે ત્યારે એ શૂન્યાવકાશ જેવી સ્થિતિની પરિપૂર્તિ અર્થે વાદળોના ગંજ ત્યાં ખડકાય છે, ત્યારે પવન પણ પૂર્વથી પશ્ચિમનો થતા એ વાદળાઓ આસામથી ગુજરાત સુધીના મધ્ય ભારતના આખા પટ્ટામાં ધોધમાર વરસાદ લાવે છે. આ સદીઓથી ચાલતું વરસાદનું ભારતીય હવામાન ચક્ર છે. પરંતુ આ વખતે દ્રશ્ય બદલાયું છે.
દેશમાં અનેક રાજ્યોમાં પ્રચ્છન્ન અને ઝંઝાવાતી વરસાદ ત્રાટક્યો છે. જાનહાનિના આંકડાઓ પણ મોટા છે. વરસાદથી જે આર્થિક નુકસાન થયું હોય એ બધું તો કંઈ સરકાર ભરપાઈ ન કરી શકે. છેલ્લા એક મહિનાથી આવા આકસ્મિક મેઘસ્ખલનમાં ચોમાસાનો સત્તાવાર શુભારંભ વેરવિખેર થઈ જતાં આ વખતનું ચોમાસુ સરકારી આગાહી પ્રમાણે સો ટકા વરસાદ લાવે તો રાજાની પ્રાર્થના મેઘરાજાએ સાંભળી કહેવાય, એ સિવાય પૂર્ણતઃ વરસાદને ઉક્ત ઘટનાઓ વૈજ્ઞાનિક રીતે તો સમર્થન આપતી નથી.
દેશને કૃષિપ્રધાન કહેવાનું સહુને ગમે છે. ખેતીવાડી ગુજરાતમાં તો ખેડૂતોના હાથમાંથી સરીને સદભાગી પરિશ્રમી આદિવાસીઓના હાથમાં પહોંચી ગઈ છે. દેશના મોટાભાગના રાજ્યોમાં આ સ્થિતિ છે. જાતે ખેતી કરવાનો કસબ કેરળ અને મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં જળવાયો છે. અઢળક સંપત્તિના માલિક બન્યા પછી પણ કોંકણનો કિસાન વહેલી સવારે ખેતરે પહોંચીને પોતાનું કામ આરંભે છે. ઉપરાંત એ ખેડૂતો નિર્વ્યસની છે, રાજકીય ચર્ચાઓમાં તેમને રસ નથી. કુદરતના ખોળે રમતા રમતા તેઓ મબલક પાક લે છે. તેમના જિંદગીના ધોરણો બહુ ઊંચા છે. તેઓ જાતે જ પોતાની ફસલ આગામી મોસમ સુધી સંગ્રહ કરવાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે.
કેરળનો ખેડૂત તેના સંતાનો માટે એક રૂપિયાનો પણ ખર્ચ ત્યારે જ કરે છે જ્યારે એ સંતાનો ખેતરમાં કામ કરે. શાળાએ જનારાઓએ પણ ખેતરમાં કામ તો કરવું જ પડે છે નહિતર પરિવાર ફી ભરતો નથી. કેરળની ખેતી અર્ધ બાગાયતી છે. તેમના ખેતરોમાં ફળફળાદિના અપાર વૃક્ષો છે. એમની માવજત જોવા જેવી હોય છે. આપણે ત્યાં કેરળ પ્રાકૃતિક પ્રવાસે અને રિસોર્ટમાં જનારા ઘણા છે, ખરેખર જોવા જેવી દુનિયા કેરળનું
કૃષિજગત છે. નવ લાખ હેક્ટરમાં તો માત્ર નાળિયેર છે. કેરળના નાગરિકોનું સરેરાશ આયુષ્ય દેશમાં સૌથી ઊંચુ છે. તિરુવિતાંકુર, કોચિ અને મલબાર તો ખેતીવાડીમાંથી જ રચાયેલા મોટા બજાર છે. કેરળનો દરેક ખેડૂત આજે હવામાનનો સૂક્ષ્મ રીતે અભ્યાસી છે, કારણ કે એ ઉપર આભ અને નીચે ધરા વચ્ચે પોતાના ખેતરમાં છે. વરસાદની પહેલી છાલકથી જ એ ક્રમશઃ વાવણીની શરૂઆત કરે છે.
આપણે ત્યાં સિંચાઈની હજુ પણ અવ્યવસ્થાને કારણે આકાશી ખેતી જ એક માત્ર આધાર છે. હવે ઘઘૂંબતા મેઘાડંબર સાથે અષાઢ મહિનો શરૂ થયો છે અને આ વખતે તો અષાઢ-શ્રાવણ બન્ને ધોધમાર વરસવાના છે. આંતરરાષ્ટ્રીય બજાર અને દેશનો સ્ટોક જોતા દિપાવલીના તહેવારોમાં કપાસના ભાવ ઊંચા જવાના નિશ્ચિત છે. મુંબઈની કોટન માર્કેટમાં પણ આ જ હવા છે. હવે આવનારો વરસાદ મોલાતને જીવતદાન આપનારો છે. રાજ્યમાં વાવણીની તૈયારી કરીને બેઠેલા ખેડૂતોની ઉત્કંઠા અધિક હોવાનું કારણ એટલું જ છે કે એક ઝંઝાવાતને ઉકળાટ સહિત ગ્રીષ્મનો પટ લંબાયો અને વેધશાળાની ઉતાવળી આગાહીઓએ અકારણ જ ઉત્કંઠા વધારી દીધી. હવે આ જે અસલ સમયસરનો વરસાદ આવે છે એ મોડો ન કહેવાય, સમયસરનું જ ચોમાસુ એ છે.