કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના રુદ્રપુરમાં આયોજિત ‘ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ’માં ભાગ લેતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડ વિકાસના નવા શિખરો સર કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. શાહે ભારપૂર્વક કહ્યું કે જે લોકોએ એક સમયે નાના રાજ્યોના ભવિષ્ય અંગે શંકા વ્યક્ત કરી હતી, તે જ ઉત્તરાખંડ આજે પ્રગતિની રાહ પર છે. તેમણે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને મોદી સરકારની મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી, જે સુપ્રીમ કોર્ટમાં પણ બચાવવામાં આવ્યો હતો અને હવે લગભગ પૂર્ણ થવાને આરે છે. આનાથી ચારધામ યાત્રા આખું વર્ષ ચાલુ રહી શકશે.

અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે, “જ્યારે ઉત્તરાખંડના લોકો રાજ્યની માંગણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ઉત્તરાખંડ રાજ્યની રચના ભાજપ અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી.” કોંગ્રેસના નેતાઓને સીધી ચેતવણી આપતા શાહે કહ્યું, “જ્યારે રાજ્ય સારું કરી રહ્યું હોય, ત્યારે હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીં તો તમારામાંથી જે કંઈ બચ્યું છે તે પણ અદૃશ્ય થઈ જશે.”

શાહે જણાવ્યું કે કેટલાક જૂથો દ્વારા ઓલ વેધર રોડ પ્રોજેક્ટને રોકવાના પ્રયાસો છતાં, મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલો રજૂ કરીને તેને સફળતાપૂર્વક આગળ ધપાવ્યો. આ રોડ હવે ચારધામ સુધી પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં સંપૂર્ણપણે કાર્યરત થશે, જે આખું વર્ષ પ્રવાસીઓને ઉત્તરાખંડ આવવા માટે સક્ષમ બનાવશે. ઉત્તરાખંડના આધ્યાત્મક મહત્વનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે આ એવી ભૂમિ છે જ્યાં એક જ્યોતિ‹લગ, ત્રણ શક્તિપીઠ, ચાર ધામ, પંચ કેદાર, પંચ પ્રયાગ અને સપ્ત બદ્રી જેવા પવિત્ર સ્થળો આવેલા છે. “જે રાજ્યનો દરેક ભાગ શ્રદ્ધાથી ભરેલો હોય તેના વિકાસને કોઈ રોકી શકતું નથી,” તેમણે ઉમેર્યું. મોદી સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા અમિત શાહે જણાવ્યું કે પહેલા એવી માન્યતા હતી કે જા માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગનો વિકાસ થાય તો ગરીબોને ફાયદો ન થઈ શકે, પરંતુ મોદીજીએ આ માન્યતા તોડી નાખી છે. તેમણે કહ્યું કે મોદી સરકારે ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને ડઝનબંધ ગરીબ કલ્યાણ યોજનાઓ ચલાવી છે. ગૃહમંત્રીએ ઉત્તરાખંડમાં થયેલા રોકાણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પહાડી રાજ્ય હોવા છતાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના પ્રયાસોને કારણે ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં ૧ લાખ કરોડથી વધુનું રોકાણ આવ્યું છે. ૨૦૨૩ના ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં હસ્તાક્ષર કરાયેલા ૩.૫૬ લાખ કરોડના એમઓયુમાંથી ૧ લાખ કરોડનું રોકાણ જમીન પર ઉતરી ગયું છે. રુદ્રપુરમાં જ આજે ૧,૨૭૧ કરોડના પાંચ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને ૧૪ પ્રોજેક્ટ્‌સના શિલાન્યાસ કરવામાં આવ્યા.

શાહે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમણે ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા ત્રણ નવા રાજ્યો બનાવ્યા અને મોદીજીએ તેમને સુધારવા માટે કામ કર્યું. “જ્યારે અટલજી ગયા, ત્યારે ભારત ૧૧મું સૌથી મોટું અર્થતંત્ર હતું, અને મોદીજીએ ભારતને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનાવ્યું છે,” તેમણે ઉમેર્યું. શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ૨૦૨૭ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઉત્તરાખંડ સંસ્કૃતિ અને પ્રકૃતિનો એક અનોખો સંગમ છે, જ્યાંની નદીઓ ભારતના અડધા ભાગને પાણી પૂરું પાડે છે અને સંતો-મહાત્માઓ ગંગાના કિનારે હજારો વર્ષોથી સંસ્કૃતિનું સંરક્ષણ અને વિકાસ કરી રહ્યા છે.