દિવાળી તો ઘણી જોઇ… પણ આ દિવાળી ક્યારેય ભૂલાઈ તેમ નથી. ગુજરાત આખું યે ફર્યા પછી  અને લગભગ દરેક શહેરની દિવાળી જોયા પછી પણ એક અભિપ્રાય એજ બંધાયો છે કે દિવાળી તો હમીરસરની જ…
આજે પણ યાદ આવ્યા કરે છે – હમીરસરની દિવાળી….
આમ તો દિવાળી મને બહુ ગમતો તહેવાર નહીં.
મારે મન હોઈ અને દિવાળી બધું સરખું…
નાનપણમાં થોડો ઉત્સાહ રહેતો. ફટાકડા ફોડવાની ઠીક ઠીક મજા પડતી.
મને પેલી ટીકડીમાંથી એરુ બને એમાં મજા પડતી. નાની એવી ટીકડીને દીવાસળી ચાપો એટલે એનો એરુ બની જાય ! આ ઘટના જ મને ચમત્કારિક લાગતી. પછી એ એરુના કટકા આંગળીઓ વડે ચીપીને ભાંગવાની મજા આવે. ફુલઝર, જેને અમે ફુલખરણી કહેતા, તે પણ જોવાની મજા પડતી. ભોંય ચકરડી પણ ગમતી.
પણ… છોકરા-છોકરીઓ ઉછળી કૂદીને જે મજા માણતા એવી મજા ક્યારેય નથી આવી.
આમ તો ફટાકડા થ્રિલ માટે ફોડવામાં આવતા હોય એવું હું અનુમાન કરતો. કમ સે કમ હું તો થ્રિલ માટે જ ફટાકડા ફોડતો.
પણ મારે જે થ્રિલની જરૂર હતી એવી થ્રિલ તો એમાં હતી જ નહીં. વધી વધીને કોઇ છોકરા હાથમાં ફટાકડો ફોડે એમાં થોડી ઘણી થ્રિલ મળતી. હું પણ હાથમાં ફટાકડો ફોડતાં શીખેલો. પણ સમય જતાં એમાં થ્રિલ મળતી બંધ થઇ.
સરવાળે નાનપણના એકાદ-બે વરસને બાદ કરતાં દિવાળીમાં રોમાચક કશું લાગેલું નહીં. આ અમારી નવારતનપર અને ખડસલિયાની દિવાળીઓની વાત છે.
 પણ જ્યારે દિવાળી વિશેની વિવિધ કથાઓ અને મહાત્મ્ય જાણ્યા પછી તો મને ફટાકડાવાળી દિવાળી જરાય ગમતી નહીં.
એક સંદર્ભ અનુસાર રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યા ત્યારે અધ્યોધ્યાવાસીઓએ જે ઉજવણી કરેલી એ દિવસ પછીના દર વર્ષે ઉજવાયો અને તે દિવાળી કહેવાયો. એવી તો અનેક પૌરાણીક, ઐતિહાસીક,  જૈન, બૌદ્ધ કથાઓ છે. પણ મને એ પ્રશ્ન થતો કે એ સમયે ફટાકડા ક્યાં હતા? આવું દારુખાનું પણ નહોતું. બસ, તે પછીથી ફટાકડામાંથી મને મળતી થોડી ઘણી થ્રિલ પણ બંધ થઇ ગયેલી. ધેટ ઇઝ મીનીંગલેસ સેલિબ્રેશન…! જૈનો ફટાકડા વગરની માત્ર દિવડાવાળી દિવાળી ઉજવવાનો પ્રચાર કરતા તે મને ગમતું…
 વખત જતાં ભાવનગર,  અમદાવાદ,  રાજકોટ જેવા અનેક શહેરોની દિવાળીઓ જોઈ… પણ એ બધી દિવાળી એવી જ હતી જે અમારી ખડસલિયા કે નવારતનપરની દિવાળી હતી… એટલે મારે મન હોળી કે દિવાળી ક્યારેય થ્રિલ કે રોમાંચનો તહેવાર નહીં.
પણ…
વર્ષ 2006… ભુજ શહેરમાં વસવાટ… ભુજમાં વસ્યા પછી પહેલી દિવાળી આવી…
દિવાળીના દિવસે ભુજના સ્થાનિક મિત્રોએ કહ્યું- ‘રાત્રે હમીરસર આવવાનું છે, હોં !’
મેં કહ્યું- ‘શા માટે?’
 તેઓ બોલ્યા-‘દિવાળી કરવા…’
 અમે તો નાનપણમાં પોતપોતાના ઘર કે ગલી કે ચોકમાં જઈને ફટાકડા ફોડતા. મારા આરટીઓ રિલોકેશન સાઇટવાળા મકાનથી હમીરસર ત્રણ-ચાર કિલોમીટર દૂર થાય. તો દિવાળી કરવા છેક ત્યાં શું કામ જવાનું? એટલે મેં ના પાડી: ‘હું નહીં આવું…’
 પણ એમણે કહ્યું- ‘ઇ કાંઈ નહીં… તમારે આવવાનું જ છે…’
રાત્રે અમે ગયા…
હમીરસરને કાંઠે આવતાં જ મને લાગ્યું કે હું કોઇ જૂદી જ દુનિયામાં આવ્યો છું…
દિવસે તો રોજ રોજ હમીરસરને કાંઠેથી પસાર થઇ જતો. હમીરસરને પહેલીવાર જોયેલું ત્યારે રોમાંચ થયેલો. આ સરોવર વિશેનો ઇતિહાસ જાણેલો ત્યારે રોમાંચ થયેલો. તળાવની અંદરના ભાગે આવેલો બગીચો પહેલીવાર જોયેલો ત્યારે રોમાંચ થયેલો. પણ પછી તો એ બધું રુટિન થઇ ગયેલું…
 પણ દિવાળીની રાતનું આ હમીરસર કંઇક જુદું જ હતું. ભુજ શહેરના હ્રદયસમું હમીરસર રંગબેરંગી રોશનીથી સજેલું હતું. રોશની તો ગંગાજળિયા તળાવને કાંઠે પણ જોયેલી અને કાકરિયાને કાંઠે પણ જોયેલી. પણ હમીરસરની રોશની અલગ હતી.
રાતના લગભગ 9 વાગ્યાના સુમારે અમે હમીરસર પહોચ્યા હતા.
એક તરફ હમીરસરની અંદર રોશનીથી ઝળહળતું પાણી હિલોળા લેતું હતું. બીજી તરફ તળાવને કાંઠે હજારો માણસોની ભીડ હિલ્લોળા લેતી હતી. અમે કોટના પગથિયે સૌથી ઉપરના ભાગે જઈને માંડમાંડ જગ્યા કરીને બેઠા હતા. એક તળાવના હિલ્લોળા, બીજી તરફ લોકોની ભીડના હુલ્લડ અને ત્રીજી તરફ મારા દિલોદિમાગમાં આશ્ચર્યભાવો હિલ્લોળા લઇ રહ્યા હતા.
ચોતરફ ધડામ-ધૂમ-ધફ્ફ…. બટ્ટાસટી… શહેરમાં નજીક અને દૂર દૂર ફૂટી રહેલા ફટાકડાનો અવાજ અને અહીં હમીરસરમાં હૈયેહેયું દળાય અને દબાય તેવી ભીડ વચ્ચે ફૂટી રહેલા ફટાકડાના અવાજો મિશ્ર થઇને ગગનભેદી યુદ્ધનાદનો રોમાંચક અનુભવ કરાવી રહ્યા હતા…
યુદ્ધસ્ય કથા રમ્યા…!!!
 દેકારા-પડકારા-કીકીયારા…
લોકોની અનહદ વચ્ચે ફૂટી રહેલા ફટાકડા અને આકાશમાં એક પછી છૂટી અને ફૂટી રહેલા રોકેટ બોમ્બ…
 કોટના સૌથી ઊંચા પગથિયે બેઠા હોવાને કારણે ભીડ મને લોંગશોટમાં અને નજીકનો ભાગ મિડશોટમાં દેખાતો હતો. કલોઝ-અપમાં પણ મહિલાઓ, બાળકો અને જુવાન છોકરા છોકરીઓની ફટાકડાની બટ્ટાસટ્ટી ચાલુ હતી…
 મિત્રોએ મને કહ્યું- ‘ફટાકડો નજીક ફૂટે તો દૂર થઇ જવાનું. આપણને કંઇ ન થાય એની જવાબદારી આપણી છે…’
 મેં કહ્યું- ‘ઇ તો ઠીક છે. પણ આ લોકો આ રીતે ફટાકડા ફોડી રહ્યા છે. બાયુ ને ભાડુ બધા ભેગા છે. કોઈની ઉપર ફટાકડો ફૂટશે કે કોઇના કપડાં સળગશે તો માથાકૂટ નહીં થાય?’
તેઓ બોલ્યા- ‘કશું ન થાય…’
આ સાંભળીને મારા દિમાગમાં વિસ્મયનો બ્લાસ્ટ થયો. કશું ન થાય !!! કેમ કશું ન થાય???
આમાં તો ઘણુંબધું થઇ જાય…!
પણ મારા વિસ્મયના આ વિસ્ફોટની હજી કળ વળે એ પહેલા તો લોકોની ભીડ વચ્ચે મેં જોયું કે કેટલાંક જુથોએ એકબીજા ઉપર રોકેટ છોડવાનું ચાલુ કર્યું હતું.
 રોકેટને ઉપર આકાશમાં છોડવાને બદલે આ તરફથી પેલાં ટોળાં ઉપર અને પેલી તરફથી આ બાજુથી આડેધડ રોકેટ લોંચિંગ ચાલુ થયું. કહો કે યુદ્ધ ! યુદ્ધસ્ય રમ્ય કથા !
 મને જીવનમાં પહેલીવાર દિવાળીના તહેવાર પર થ્રિલનો અનુભવ થઇ રહ્યો હતો.
મારી થ્રિલનાં બે લેયર હતાં. બન્ને લેયર પેરેલલ વોક કરી રહ્યાં હતાં.
 અમારે ભાવનગર બાજુ તો દિવાળીના દિવસોમાં સ્હેજ અમથું કટાકડું કોઈની બાજુમાં ફુટ્યું હોય તો ય ‘બાધણ્ય’ થઇ જાય, આઇ મીન – ડખો થઇ જાય…. અહીં આ શહેરના લોકો આનંદની કીકીયારીઓ સાથે એકબીજા ઉપર બોમ્બાર્ડીંગ અને રોકેટીંગ કરી રહ્યા હતા… કોઈના ઉપર બ્લાસ્ટ થાય તો લોકો ખંખેરીને દૂર થઇ જતા હતા અને આનંદભર્યા દેકારા-પડકારા-કીકાડા કરવામાં જોડાઇ જતા હતા…
 મેં માર્ક કર્યું કે આ દ્રશ્ય સમગ્ર પૃથ્વી પર માત્ર ભુજમાં જ જોવા મળે શકે.
લોકોના હૈયાંમાં એક ભયંકર અને અદ્ભૂત સ્પોર્ટસમેન સ્પિરિટ હિલોળા લઇ રહી હતી…
 પણ હું એક ક્રાઈમ રિપોર્ટર હતો. મારા મનમાં અનેક શંકા-કુશંકાઓ અને તર્ક-વિતર્ક હિલોળા લઇ રહ્યાં હતાં…
ભુજ સિટી પી.આઈ. મારા મિત્ર હતા. પત્રકારત્વને કારણે પણ મિત્ર હતા અને અએકબીજા સાથે મળતા વિચારોને કારણે પણ મિત્ર હતા. મેં એમને ફોન જોડ્યો- ‘ક્યાં બિરાજમાન?’
એમણે કહ્યું-‘હમીરસર ઉપર આંટો મારીને પોલીસ સ્ટેશન આવ્યો છું. પધારો ચા પીવા…’
હમીરસરથી પોલીસ સ્ટેશન અડધો કિલોમીટર પણ દૂર નહીં. સામાન્ય દિવસોમાં અહીંથી પોલીસ સ્ટેશન પહોંચતાં બાઇક ઉપર એક મીનીટ લાગે અને ચાલીને જતાં પૂરી પાંચ મિનિટ પણ ન લાગે. પણ અત્યારે સ્થિતિ એવી હતી કે ભીડને વીંધીને પીઆઈ ચેમ્બર સુધી પહોંવામાં અડધી-પોણી કલાક થઈ જાય.
એટલે ચાનું નિમંત્રણ સ્વીકારવાને બદલે મેં પ્રશ્નમારો શરુ કરી દીધો. અહીની આખીયે સ્થિતિનું વર્ણન કરીને ‘પ્રશ્ન બોમ્બ’ ફોડ્યો: ‘આ સ્થિતિમાં પોલીસે શું પગલાં લીધાં?’
પીઆઈએ કહ્યું- ‘પોલીસના માણસો બંદોબસ્તમાં છે જ. એ સિવાય કોઇ પગલાં લેવાની જરુર પડી નથી…’
મેં અમારી જર્નાલિસ્ટીક સ્ટાઇલ પ્રમાણે પીઆઈને સાણસામાં લેવાની કોશિષ કરી: ‘તો આ બધું પોલીસની નજર સામે જ બની રહ્યું છે એમ ને?’
એમણે કહ્યું- ‘શું બની રહ્યું છે?’
મેં હમીરસરનાં ખતરનાક પરિદૃષ્યનું વર્ણન કર્યું અને કહ્યું:’અહીં માનવ જીંદગી જોખમમાં હોય તેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં પોલીસની ફરજ શું છે???’
પીઆઈએ કહ્યું- ‘હજુ સુધી તમે કહો છો તેના લીધે એક પણ ફરિયાદ કે જાણવા જોગ ઘટના અમારી પાસે આવી નથી. તમારા પોતાના ધ્યાનમાં કોઇ પર્ટિક્યુલર વ્યક્તિને કોઇ ફરિયાદ હોય તો કહો. બાકી ભૂજના લોકો દર વર્ષે આ રીતે આનંદ કરે છે. તેમને વગર કારણે અમારે કોઇ ખલેલ પહોંચાડવાની રહેતી નથી. તમે પણ હમીરસરની દિવાળી માણો અથવા ચા પીવા માટે પોલીસ સ્ટેશને આવી જાવ…’
મેં ચા પીવાને બદલે હમીરસરની દિવાળીની અલ્ટ્રા-ડેન્જરસ થ્રિલ માણવાનું પસંદ કર્યું હતું….
રાતના 11 વાગ્યે ભીડ થોડી મોળી પડ્યા પછી અમે હમીરસરથી ઘર તરફ પ્રસ્થાન કર્યું હતું…
બીજે દિવસે પોલીસ સ્ટેશને જઈને પીએસઓ પાસેથી સ્ટેશન ડાયરી લઇને પોતે જ તેના ઉપર નજર કરી. રાતભર સમગ્ર સિટીમાં કોઇ બનાવ બન્યો નહોતો.
પીઆઇને મળ્યો. એમણે કહ્યું- ‘સારી વાત છે કે તમે લોકોની સલામતી વિશે અમારા કરતાં વધારે ચિંતા કરો છો… પણ એવું કંઈ છે નહીં.’
પીઆઇએ મારા ઉપર કરેલો હળવો કટાક્ષ મને સમજાતો હતો. પણ મને એ ન સમજાયો હોવાનો એક સફળ અભિનય મેં કર્યો.
પીઆઈ એ વાત ઉપર વજન આપીને ખુશ થતા કે કોઇ અનિચ્છનીય ઘટના બની નથી. પણ પીઆઈને એ ખબર નહોતી કે મારા મન નામે વનમાં કોઇ અનિચ્છનીય ઘટના નહિ બનવાની ઇચ્છનીય ઘટના ઘટી ચૂકી હતી. હમીરસરની આ ઇચ્છનીય ઘટનામાં માત્ર ને માત્ર શુદ્ધ-અણિશુદ્ધ-પરિશુદ્ધ-પવિત્ર એલિમેન્ટ ઓફ થ્રિલ હતું. હમીરસર જેવી મહાપવિત્ર દિવાળી બીજે ક્યાંય જોઇ નથી. આટલી ડેન્જરસ એન્ડ નેચરલ સ્પોર્ટસમેન સ્પિરીટથી ભરી ભરી દિવાળી ભવિષ્યે બીજે ક્યાંય જોવા મળશે એવી આશા હું નથી રાખતો…
વિશીંગ ગ્રેટ દિવાલી ટુ ઓલ રિડર્સ….