બકો અને બોસ હવાફેર કરવા માટે નીકળ્યા. આમ તો ઘણુ બધુ ફેરફાર કરવાની જરૂર છે. પરંતુ, મફતમાં તો હાલ હવાફેર થઈ શકે એમ જ છે. હાલતાં હાલતાં બકાએ કહ્યું.
“બોસ નીચે જોઈને હાલજો. હમણાં હમણાં રોડ ઉપર ખાડા બહુ વધી ગયા છે. આખા રોડ ઉપર ખાડા જ ખાડા છે. જો નજર ચૂકી તો ગયા સમજો. અને તમે તો જાણો જ છો કે, આજકાલ દવાખાનું કેટલું મોંઘુ થઈ ગયું છે. હજાર બે હજાર તો હાલતાં જ થઈ જાય છે.”
“અરે બકા, રોડ ઉપર ખાડા હોય કે ખાડામાં રોડ હોય. આપણને શું ફેર પડે. ફેર પડે તો વાહન વાળાને પડે. ફેર પડે તો સાયકલ વાળાને પડે. ”
એટલામાં એક ફોરવ્હીલ વાળો જરા સ્પીડમાં નીકળ્યો. અને ખાડામાં એનું વ્હીલ આવ્યું. કાદવનો ફુવારો સીધો જ બોસના કપડા ઉપર.
બોસ..એ..એ..એ.. કરતાં રહ્યા. ત્યાં સુધીમાં તો એ બીજા બે ચારને ભરી મૂકતો ક્યાંય નીકળી ગયો.
બકાએ કહ્યું.
“બોસ, હું નહોતો કે’તો કે, જોઈને હાલજો.. જોઈને હાલજો. પણ ..માને કોણ ? ઈ તો તમે ભાગ્યશાળી છો કે કપડાં ઉપર કાદવ જ આવ્યો છે. હમણાં હમણાં તો આખેઆખી ગાડી જ માણસો ઉપર આવે છે. મોંઘા ભાવની ગાડી હોય. મોંઘા ભાવનો દારૂ પીધેલો સસ્તો, છેલબટાઉ છોકરો હોય. અને ભારે પણ ટૂંકા કપડા વાળી, છીછરી છોકરી પણ હોય. તમારા ભાગ્ય હારા કે આટલે ઉકલ્યું. બાકી તો..”
“બાકી તો શું? હેં. એ ગાડી માથે ચડાવી દેત ? મારી નાંખત ? કે હવામાં ઉડાડી દેત ??”
“બોસ ..બોસ, આવું બધું ન થયું એટલે તમે થોડા ભાગ્યશાળી ગણાવ. બીજો ખર્ચ તો ના આવ્યો. બાકી આજકાલ દવાખાનાના ખર્ચાઓ કેટલાં બધા વધી ગયા છે. હોસ્પિટલમાં દાખલ થાવ એટલે રૂપિયા ભરેલી થેલી હારે જ રાખવાની. ડોક્ટર જેટલા રૂપિયા ખાય છે એટલાં રૂપિયા જો દર્દીને ખવરાવાયને તો દર્દી એમને એમ જ હાલતો થઈ જાય.”
“બકા, તારે વાત શું કરવી છે? ઈ કે ને. આટલી બધી ફિલ્ડીંગ ભરવાની શું જરૂર છે.”
“મારે તમને એક વાત કરવી છે. માણસને કાંઈ વાગે એટલે ડોક્ટર શું કરે ?”
“ઘા વધારે ઊંડો હોય તો ટાંકા લે. દવા આપે.”
“હવે મને તમે કહો. એક ટાંકો લેવાના કેટલાં રૂપિયા હોય?”
“ઈ હંધૂય ડોક્ટર ઉપર હોય. નાનો ડોક્ટર હોય તો સો બસોમાં પતે, મોટો ડોક્ટર હોય તો ઈ જ કામ હજાર બે હજારમાં પતે. અને અંદરકી બાત બોલું? ગામડાનો ડિગ્રી વગરનો કહેવાતો ડોક્ટર હોય તો પચાસ રૂપિયામાંય પતી જાય. આજકાલ આવા કહેવાતાં ડોક્ટરો વધું હાલ્યા છે. એની દુકાનેય હારી હાલે છે. લગભગ! એકપણ ગામ એવું બાકી નહીં હોય કે આવાં ભેજાબાજ ડોક્ટરો દર્દીઓની સારવાર નહીં કરતાં હોય. અને ઘણી વખત તો હાસા ડોક્ટરો કરતાં ય આની દુકાન વધારે હાલે છે. પણ .., તું કહે ને તારે કોની વાત કરવી છે?”
“મેં હાંભળ્યું છે કે, વિરાટ કોહલી વાળ કપાવે એનો ભાવ ઓછામાં ઓછો એક લાખ અને વધારેમાં ચાર-પાંચ લાખ છે.
એક ઉદ્યોગપતિ ચા પીવે છે. એનો ભાવ કિલોનો નવ કરોડ રૂપિયા છે. (હા..હા..સભાન અવસ્થામાં લખ્યું છે.) ૯૦૦૦૦૦૦૦/- પુરા છે.
એક ઉદ્યોગપતિ એવા પણ છે. જેવો રહે છે મેગા સીટીમાં અને એમને ભાવતી મીઠાઈ બને છે ગામડામાં. હવે આ જ મીઠાઈ પ્લેન દ્વારા એમની ઘરે પહોંચે છે. મીઠાઈના પણ કેવા કેવા ભાગ્ય છે. બાકી ભારતમાં તો એંસી ટકા માણસો પ્લેનમાં જ નથી બેઠા.
આમ આપણે ત્યાં એક હોસ્પિટલ છે ત્યાં એક ટાંકો તમને રૂપિયા ૨૨૮૫૭/-માં પડે છે.
અને આના જેવી હોસ્પિટલો દરેક શહેરમાં ગલીએ ગલીએ પાનનાં ગલ્લાની માફક ઊભી થઈ ગઈ છે.”
“બકા તું વિદેશની વાત કરે છે. ત્યાં ડોલરને આપણાં રૂપિયામાં ગણો તો થાય પણ ખરાં. કારણ કે, વિદેશમાં ટ્રીટમેન્ટ મોંઘી છે.”
“બોસ, તમે મને હાવ બકો જ હમજો છો ? આટલી બધી ઊંચા ગજાની માહિતી આપી તોય તમે મને હાવ બકો જ માનો છો!??”
“ના ના ના, તું હમજુ છો. પણ, કદાચ તારી હમજફેર થતી હોય. આટલાં રૂપિયામાં તો કદાચ! મરેલો માણસ જીવતોય થઈ જાય અને તું એક ટાંકાની વાત કરે છે એટલે શંકા થઈ.”
“તો હાંભળો બોસ. આપણી આવી હોસ્પિટલમાં સાજો માણસ કદાચ દાખલ થાયને તો એ કાયમી માંદો બની જાય એવું છે.
હું વાત કરૂં છું એક પૈસાવાળા ભાઈની. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ આગળ એ ભાઈનો છોકરો ઠેસ આવીને પડી ગયો. સામે જ હોસ્પિટલ. ડોક્ટરોએ દર્દી સામે જોયું અને એ ભાઈ સામે જોયું.”
“ભાઈ! ઘા ઘણો ઊંડો છે. ટાંકા લેવા પડશે. વિમો છે??” ડોક્ટર વાણી.
“હા, વિમો છે.” “તમે નહીં જ માનો બોસ. ટાંકા તો સાત જ આવ્યા પણ, બીલ આવ્યું એક લાખને સાંઈઠ હજારનું. એક ટાંકો પડ્‌યો ૨૨૮૫૭/-માં.”
“બકા, સોનું કેટલું મોંઘુ છે. કદાચ! સોનાના તારથી ટાંકા લીધા હોય..!!”
“બોસ, તમારો હોસ્પિટલમાં ભાગ છે???”