ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે ગાઝા શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. દરમિયાન,રાત્રે ઇઝરાયલે જાહેરાત કરી કે ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધક કરાર અંગેનો વિવાદ ઉકેલાઈ ગયો છે. જે બાદ ગાઝામાં ઉત્તર તરફ જતા મુખ્ય રસ્તાઓ પર હજારો પેલેસ્નિટીયન નાગરિકો જોવા મળ્યા. મહિનાઓ સુધી કામચલાઉ આશ્રયસ્થાનમાં રહ્યા પછી, આ લોકો પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, જેની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. જોકે, લોકો એ વાતની પણ ચિંતામાં હતા કે ઇઝરાયલી હુમલાઓથી નાશ પામેલા ખંડેર વચ્ચે તેમના ઘરોમાંથી શું બચશે.
હમાસે ત્રણ ઇઝરાયલી બંધકોને સોંપવા સંમતિ આપ્યા બાદ આ લોકોને ઘરે પરત મોકલવાની સંમતિ આપવામાં આવી હતી. ૧૫ મહિનાના યુદ્ધ પછી યુદ્ધવિરામ કરારની શરતો હેઠળ ઇઝરાયલી દળોએ એન્ક્‌લેવના મુખ્ય કોરિડોરમાંથી પીછેહઠ શરૂ કરી દીધી છે. જે બાદ હવે લોકો પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે.
ગાઝામાં સમુદ્ર કિનારેથી પસાર થતા રસ્તા પર મોટી સંખ્યામાં પેલેસ્નિટીયન નાગરિકો તેમના બાળકોના હાથ પકડીને અને ખભા પર સામાન લઈને ચાલતા જોવા મળ્યા. આ દરમિયાન એક મહિલાએ કહ્યું કે તેને એવું લાગ્યું કે જાણે તેનો ફરીથી જન્મ થયો હોય. તેમણે પોતાના ઘરે પાછા ફરવા અંગે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે અમે ફરીથી વિજયી થયા છીએ.
સાક્ષીઓના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝામાં સવારે ૭ઃ૦૦ વાગ્યે પ્રથમ ક્રોસિંગ પોઈન્ટ ખુલ્યા પછી, પહેલા રહેવાસીઓ ગાઝા શહેરમાં પહોંચ્યા. લગભગ ત્રણ કલાક પછી, બીજા ક્રોસિંગ ખોલવામાં આવ્યો, જેનાથી વાહનો પ્રવેશી શક્યા. ઓસામા નામના એક માણસે કહ્યું કે તેને લાગતું હતું કે તે ક્યારેય પાછો આવી શકશે નહીં. તેમણે કહ્યું કે યુદ્ધવિરામ સફળ થાય કે ન થાય, ઇઝરાયલ આપણા દરેક માટે એક ટેન્ક મોકલે તો પણ અમે ગાઝા શહેર અને ઉત્તર ક્યારેય છોડીશું નહીં.
૧૫ મહિનાના યુદ્ધ દરમિયાન વારંવાર વિસ્થાપિત થયા પછી, જ્યારે પરિવારોએ ક્રોસિંગ ખુલવાના સમાચાર સાંભળ્યા ત્યારે આશ્રયસ્થાનો અને તંબુ શિબિરોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ. એક મહિલાએ કહ્યું કે આ સમાચાર સાંભળીને તેને ઊંઘ નથી આવી રહી. તેણે કહ્યું કે ઓછામાં ઓછું આપણે ઘરે પાછા જઈ રહ્યા છીએ. મહિલાએ કહ્યું કે હવે તે કહી શકે છે કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને આશા છે કે તે શાંતિપૂર્ણ રહેશે.
૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ દક્ષિણ ઇઝરાયલ પર હમાસના હુમલાથી શરૂ થયેલા યુદ્ધ બાદ ઉત્તર ગાઝામાંથી લગભગ ૬૫૦,૦૦૦ પેલેસ્નિટીયનો વિસ્થાપિત થયા હતા. આ હમાસ હુમલામાં ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૧ લોકોને હમાસ લડવૈયાઓએ બંધક બનાવ્યા હતા. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પર ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં ૪૭,૦૦૦ થી વધુ પેલેસ્નિટીયનો માર્યા ગયા છે. ઇઝરાયલી હળને કારણે લોકોએ પોતાના ઘર છોડીને છાવણીઓમાં આશરો લીધો.
ઇઝરાયલી હુમલાઓને કારણે ગાઝાનો મોટાભાગનો ભાગ હવે ખંડેરમાં ફેરવાઈ ગયો છે. હમાસ સંચાલિત ગાઝા સરકારના મીડિયા ઓફિસનું કહેવું છે કે ઉત્તર તરફ પાછા ફરનારાઓ માટે ઓછામાં ઓછા ૧,૩૫,૦૦૦ તંબુ અને આશ્રયસ્થાનોની જરૂર છે કારણ કે લોકો તેમના ઘરોનો નાશ કરીને તેમનું જીવન ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.