અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીએ અમરેલી જિલ્લાના વિકાસ માટે અનેક વિકાસ કાર્યો કર્યા હોવાનું ભાજપ અગ્રણીએ જણાવ્યું છે. સ્વ.વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં અમરેલી જિલ્લા ભા.જ.પ પૂર્વ પ્રમુખ હીરેન હિરપરાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે અમરેલી જિલ્લાના મહત્વના પ્રશ્નો જેવા કે, લોકોનું સ્થળાંતર અટકે અને સ્થાનિક કક્ષાએ જ રોજગારી ઉભી થાય તે માટે લાઠી, સાવરકુંડલા, અને રાજુલા ખાતે G.I.D.C મંજુર કરી હતી. ઉપરાંત અમરેલી જિલ્લાને વિશ્વના ટુરીઝમ નકશામાં સ્થાન મળે અને સામાન્ય લોકોને પણ રોજગારી મળે તે માટે આંબરડી સફારી પાર્કની મંજૂરીથી લોકાર્પણ સુધી સક્રિય રહ્યા હતા. બગસરા માટે ખૂબ જ જરૂરી એવી નવી પ્રાંત કચેરી તેમના સમયમાં મંજુર કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થાનોના વિકાસ સાથે ધાર્મિક ટુરીઝમ સર્કિટ બનાવવાની શરૂઆત ભુરખીયા હનુમાનજી મંદિરથી કરી હતી.