વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર સાથે સંકળાયેલી ઐતિહાસિક ક્ષણોને યાદ કર્યા. તેમણે કહ્યું કે ૧૯૫૧માં જીર્ણોદ્ધાર પામેલા મંદિરના ઉદ્ઘાટનની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી માટે ૩૧ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ સોમનાથમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે ૧૯૫૧માં ઐતિહાસિક સમારોહ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં યોજાયો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં સરદાર પટેલ અને કે.એમ. મુનશી સહિત અનેક મહાનુભાવોનું યોગદાન નોંધપાત્ર હતું. તેમણે એ પણ યાદ કર્યું કે ૨૦૦૧ના કાર્યક્રમમાં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ગૃહમંત્રી અડવાણી અને અન્ય ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, “જય સોમનાથ! સોમનાથ સ્વાભિમાન પર્વ આજથી શરૂ થાય છે.” સોમનાથ પર પહેલો હુમલો જાન્યુઆરી ૧૦૨૬માં થયો હતો, પરંતુ ૧૦૨૬નો હુમલો અને ત્યારબાદના હુમલાઓ પણ લાખો લોકોની શ્રદ્ધા અને સોમનાથને વારંવાર ઉજાગર કરતી સભ્યતાની ચેતનાને તોડી શક્યા નહીં.
મોદીએ કહ્યું કે ૨૦૨૬નું વર્ષ ૧૯૫૧ના ભવ્ય ઉજવણીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી પણ કરશે. “જય સોમનાથ” ના નારા સાથે તેમણે જાહેરાત કરી કે સોમનાથ સ્વાભિમાન પર્વ આજથી શરૂ થઈ રહ્યું છે. આ પ્રસંગે, તેમણે સોમનાથની તેમની અગાઉની મુલાકાતોના ફોટા શેર કર્યા અને લોકોને વિનંતી કરી કે જા તેઓ સોમનાથની મુલાકાત લીધી હોય તો તેમના ફોટા સાથે શેર કરે.
સોમનાથ મંદિરને પહેલા કરતાં વધુ ભવ્ય દેખાવ આપવામાં આવ્યો હતો. વિનાશથી પુનરુત્થાન સુધીની ૧૦૦૦ વર્ષની આ યાત્રાને યાદ કરવા માટે ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ૧૧ જાન્યુઆરીના રોજ યોજાનાર સમારોહમાં હાજરી આપશે. ૨૦૨૬નું વર્ષ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે મંદિરના આધુનિક પુનઃસ્થાપનની ૭૫મી વર્ષગાંઠ છે. ૧૯૫૧માં તેનું આધુનિક અભિષેક સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોનું પરિણામ હતું.








































