ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણનો મુખ્ય હેતુ પ્રજાકીય કામોમાં ઝડપ લાવવાનો અને સરકારી તંત્રને ગતિશીલ બનાવવાનો હતો, પરંતુ વિસ્તરણ બાદ પણ સચિવાલયનું ચિત્ર બદલાયું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ કેબિનેટ બેઠકમાં સોમવાર અને મંગળવારને જનતા દર્શનના દિવસ જાહેર કરીને ફરજિયાત હાજરીના કડક આદેશ આપ્યા હતા, છતાં સ્વર્ણિમ સંકુલ-૨ના મંત્રીઓના ચેમ્બરો સંપૂર્ણપણે સૂમસામ રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના પ્રવાસે હતા, નાયબ મુખ્યમંત્રી લંડન પ્રવાસે ગયા હતા, જ્યારે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનસિંહ મોઢવાડિયા સહિત અનેક નવા-જૂના મંત્રીઓ પણ વિવિધ પ્રવાસોમાં વ્યસ્ત રહ્યા. નવનિયુક્ત મંત્રીઓ તો હજુ પોતાના મતવિસ્તારોમાં અભિનંદન સમારોહ અને હાર-તોરા સ્વીકારવામાં જ મશગૂલ છે.દૂર-દૂરથી પ્રશ્નો લઈને આવેલા સેંકડો મુલાકાતીઓ સચિવાલયના ચક્કર લગાવીને નિરાશ થઈને પરત ફર્યા. મોટાભાગના મંત્રીઓની ઓફિસમાંથી એક જ જવાબ મળ્યો “સાહેબ નથી, પાછા આવજા.”
ઘણા મુલાકાતીઓએ આક્ષેપ કર્યો કે, “અમે બસ-ટ્રેનના ભાડા ખર્ચીને આવ્યા છીએ, પરંતુ મંત્રીઓને મળવા માટે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે તેવી સ્થિતિ છે.”મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે સોમવાર અને મંગળવારે તમામ મંત્રીઓએ સચિવાલયમાં ફરજિયાત હાજર રહેવું.આ બે દિવસે કોઈ પણ પ્રકારની બેઠકો કે કાર્યક્રમો ન ગોઠવવા. મુલાકાતીઓને પ્રાથમિકતા આપીને તેમના પ્રશ્નોનું તત્કાલ નિવારણ કરવું.આ સૂચનાઓ સચિવાલયના નોટિસ બોર્ડ પર પણ લગાવવામાં આવી છે, પરંતુ મંત્રીઓએ તેનું પાલન કરવાને બદલે “શેઠની શિખામણ ઝાંપા સુધી”ની કહેવતને સાર્થક કરી દીધી છે.
સચિવાલયના આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું કયું વધુ માનવું, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આ રાજકીય ખેંચતાણથી બચવા મુખ્યમંત્રીએ મોટાભાગનું નિયંત્રણ નાયબ મુખ્યમંત્રીના હાથમાં સોંપી દીધું હોવાનું મનાય છે