સ્વભાવને સંજોગ સાથે સેટ કરવાથી સુખી થઈ શકાય છે. દરેક મનુષ્યને જીવનમાં સુખ-દુઃખની અનુભૂતિ ડગલે ને પગલે થતી હોય છે. આની પાછળનું કારણ તપાસતા એવું સૂક્ષ્મ તારણ નીકળે છે કે માણસની સ્થિતિ કે પરિસ્થિતિમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે સુખ કે દુઃખની અનુભૂતિ થાય છે. સ્થિતિ કે પરિસ્થિતિ જ્યાં સુધી પરંપરાગત રીત રસમ મુજબ ચાલતી રહે અથવા તો નોર્મલ રેન્જમાં મનુષ્ય જીવન સ્થિર હોય છે અને રૂટિન કામકાજમાં કોઈ મોટા ફેરફાર ના થાય ત્યાં સુધી સુખ-દુઃખની સ્થિતિમાં પણ બદલાવ આવતો નથી. જેમ કોઈ ગાડી સીધા સપાટ સારા રસ્તા પર કોઈ જાતની અડચણ વિના પુરપાટ ઝડપે ચાલ્યે રાખે છે. જ્યાં સુધી કોઈ બમ્પ આવે નહિ ત્યાં સુધી ગાડીની ગતિની સ્થિતિ બદલાતી નથી. એનાથી ઉલટી પરિસ્થિતિ જોઈએ તો એકદમ ખાડા-ખડિયાવાળા રસ્તા પર એકધારી ધીમી ગતિએ ચાલતી ગાડીને સારા રસ્તાનો સંજોગ નથી મળતો ત્યાં સુધી એની ધીમી ગતિમાં ધરખમ વધારો થઈ શકતો નથી. બન્ને કિસ્સામાં સ્થિતિ કે પરિસ્થિતિ ચોક્કસ સમયગાળા પૂરતી આમ ગણો તો એકસરખી જ રહે છે. ગાડી ચલાવનાર માટે ફરક માત્ર સંજોગોનો હોય છે. સ્થિતિ કે પરિસ્થિતિ બદલવી એના હાથની વાત નથી હોતી પણ સમય અને સંજોગોને અનુકૂળ થઈને ચાલવું એ ચોક્કસ એના હાથની વાત હોય છે. આવું જ આપણા જીવનમાં ઊભા થતા સમય અને સંજોગની બાબતમાં બનતું હોય છે. એક જ માણસ માટે એનો અભિગમ દરેક સમય અને સંજોગ મુજબ જુદો જુદો હોય છે. એનું જે કારણ હોય તે જ બાબત એનો સ્વભાવ ગણાય છે. કૈલાસ પંડિતની પંક્તિ આવું જ કઈક બયાન કરે છે. “ કોણ ભલાને પૂછે છે અહીં કોણ બૂરાને પૂછે છે? મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે? અર્ક નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશા પૂછે છે? સંજોગ ઝુકાવે છે બધાને બાકી કોણ ખુદાને પૂછે છે?” આવું દરેકના જીવનમાં બનતું હોય છે. ખરું ગણો તો માણસની સમજણ એમાં જ ગણાય છે કે પરિસ્થિતિ કે સંજોગ બદલવા એના વશની વાત ના હોય ત્યારે એને અનુકૂળ થઈ શકે તો જીવનમાં ક્યારેય દુઃખી થતાં નથી. સ્થિતિ, પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ પણ ઊભા થતા સંજોગો સામે અમુક લેવલ સુધી બાથ ભિડ્યા પછી પણ બાજી એના હાથમાં ના રહે તો પ્રથમ નજરે સંજોગો સામે ઝૂકવું પડે એવું દેખાય છે પણ હકીકતમાં એ વ્યક્તિ સંજોગો સાથે સમજુતી કરીને પરિસ્થિતિને અનુકૂળ થવા પ્રયત્ન કરતો હોય છે. માણસની સ્વભાવગત લાક્ષણિકતા હોય છે કે જે કંઈ સ્થિતિ, પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે વ્યક્તિ પાસે બે વિકલ્પ હોય છે, એક તો તેની સામે જ ઝઝુમીને જીતીને સુખી થવું અથવા તો સંજોગો સામે ઝૂકીને હારીને અનુકૂળ થઈને સુખી થવાનો પ્રયત્ન કરવો. અંતે તો દરેક વ્યક્તિનો હેતુ કે ઉદ્દેશ પોતાની જાતને દરેક પળે સુખી કરવાનો હોય છે. એક રસ્તો સંઘર્ષ ભરેલો અને ટૂંકા ગાળાના માન-અપમાન નેવે મૂકીને પોતાની જાતને હરીફાઈની હોડમાં તરતી મૂકીને પછી એમાંથી પાર ઉતરીને લાંબા ગાળાનું કાયમી સુખ પ્રાપ્ત કરવાનો હોય છે. બીજો રસ્તો જે કઈ થાય તે ક્ષણિક હોય એમ સ્વીકારીને શાંતિથી ચૂપચાપ સહન કરીને કપરી પળોનો સમય પસાર કરીને ફરી પાછા પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી રાહ જોવાનું શાણપણ દાખવીને લાંબા ગાળે સુખી થવાનો હોય છે. બન્ને રસ્તામાંથી ક્યો રસ્તો પસંદ કરવો એ બાબત માણસના સ્વભાવ પર નિર્ભર કરે છે. આમ માણસ નાનો હોય કે મોટો હોય, અધિકારી હોય કે ઉદ્યોગપતિ હોય, માલિક હોય કે મજૂર હોય, ઉમેદવાર હોય કે મતદાર હોય દરેકે એના જીવનમાં ઊભા થતા સંજોગ સામે પોતે ક્યા સમયે ક્યું સ્ટેન્ડ લેવું એની સાયકોલોજી એના મગજમાં એના સ્વભાવ મુજબની ચાલતી હોય છે. પોતાના બળ, બુદ્ધિ, સત્તા કે ક્ષમતા, ગજુ અને એના બેકગ્રાઉન્ડ પ્રમાણે સમજણપૂર્વક ચાલે તો સંજોગો સામે કે સાથે યોગ્ય સમયે યોગ્ય પ્રકારની સમજૂતી કે ચેલેન્જ કરીને અંતે તો પોતાના સ્વભાવ પ્રમાણે સુખ કે દુઃખનો હકદાર બનતો હોય છે. હા, બીજા અનેક પરિબળો એના અંતિમ નિર્ણયના ઉદ્દીપક તરીકે કામ કરતા હોય છે. આ બધી પ્રક્રિયા દરમ્યાન કે પ્રક્રિયાના અંતે પણ આખરી પરિણામની નિપજને કઈ રીતે મુલવવી એ વ્યક્તિની માનસિકતા પર નિર્ભર હોય છે. અસ્તુ…