જયપુરમાં સરકારી ભરતીમાં રમતગમતના ક્વોટાનો દુરુપયોગ કરીને નોકરી મેળવવાનું એક મોટું કૌભાંડ એસઓજીની તપાસમાં બહાર આવ્યું છે. આ મામલો વર્ષ ૨૦૨૨ની ક્લાસ ૩ના શિક્ષકોની સીધી ભરતી સાથે જાડાયેલો છે. તપાસમાં બહાર આવ્યું છે કે અનેક ઉમેદવારોએ તાઈકવાન્ડો રમતના નકલી સર્ટિફિકેટ્‌સ રજૂ કરીને મેરિટમાં સ્થાન મેળવી લીધું હતું અને હાલ તેઓ શિક્ષક તરીકે ફરજ પણ બજાવી રહ્યા હતા.
આ આખા કૌભાંડનો પર્દાફાશ કોઈ બાતમીદાર દ્વારા નહીં, પરંતુ કૌભાંડીઓની એક નાનકડી બેદરકારીથી થયો હતો. ભરતી પ્રક્રિયા દરમિયાન જ્યારે શિક્ષણ વિભાગે તાઈકવાન્ડો ફેડરેશનને પ્રમાણપત્રોના વેરિફિકેશન માટે ઈ-મેલ મોકલ્યા, ત્યારે સામેથી વળતા જવાબમાં જે ઈ-મેલ આવ્યા તેમાં (સેક્રેટરી) શબ્દનો સ્પેલિંગ ખોટો લખેલો હતો. આ નાની ભૂલે વેરિફિકેશન કરનાર અધિકારીઓમાં શંકા જગાવી હતી. જ્યારે આ ઈ-મેલ આઈડીની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે ફેડરેશનનું સત્તાવાર આઈડી નથી, પરંતુ કોઈએ ફેક આઈડી બનાવીને ખોટા વેરિફિકેશન મોકલ્યા હતા.
એસઓજીની ટેકનિકલ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગૂગલ પાસેથી મેળવેલી વિગતો મુજબ, આ ફેક ઈ-મેલ ભારતમાંથી નહીં પણ દુબઈથી મોકલવામાં આવ્યા હતા. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિમલેન્દુ કુમાર ઝા હોવાનું સામે આવ્યું છે, જેણે દુબઈમાં બેસીને આખું નેટવર્ક ચલાવ્યું હતું. તેણે તાઈકવાન્ડો ફેડરેશનના નામે બોગસ ઈ-મેલ બનાવી કુલ ૩૯ ઉમેદવારોના વેરિફિકેશન મોકલ્યા હતા.
આ મામલે એસઓજીએ રાજસ્થાનના ૧૪ જિલ્લાઓ અને હરિયાણામાં એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં જાધપુર, બીકાનેર, જાલોર, ફલોદી, હનુમાનગઢ, ભીલવાડા, સીકર અને નાગૌર જેવા વિસ્તારો સામેલ છે. આ કાર્યવાહી દરમિયાન ૧૯ એવા ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે જેમણે નકલી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી હતી. આ ઉપરાંત એસઓજીએ વિમલેન્દુના ખાસ સાથીદાર રવિ શર્માની પણ ધરપકડ કરી લીધી છે. તમામ ૨૦ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ૧૬ માર્ચ સુધી પોલીસ રિમાંડ પર મોકલવામાં આવ્યા છે.