ગોંડલ પંથકમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે રાજકીય માહોલ ભારે ગરમાયો છે. ચૂંટણીના પ્રથમ દિવસે જ વિવિધ પક્ષોના ઉમેદવારો અને અપક્ષો દ્વારા ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા જોરશોરથી હાથ ધરવામાં આવી હતી. આ વખતે ગોંડલ પંથકમાં કુલ ત્રણ સ્તરે ચૂંટણી જંગ જામવાનો છે, જેમાં રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠકો, ગોંડલ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો અને ગોંડલ નગરપાલિકાના ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્તરે અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી બી.આર. સોજીત્રા, મામલતદાર આર.બી. ડોડીયા, અને ડેપ્યુટી કલેક્ટર રાહુલ ગમારા જેવા અધિકારીઓ પોતાની જવાબદારી સંભાળશે. પ્રથમ દિવસે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં નગરપાલિકા માટે ૨૬ ફોર્મ, જિલ્લા પંચાયત માટે ૧૫ ફોર્મ અને તાલુકા પંચાયત માટે ૨૩ ફોર્મનો ઉપાડ થયો હતો. આગામી દિવસોમાં આ રાજકીય જંગ વધુ તીવ્ર બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે.





































