શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૫૩મા ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કાનજીભાઈ ભાલાળાએ પ્રેરણાત્મક ઉદ્દબોધન આપતા જણાવ્યું કે, સફળતાનો મુખ્ય આધાર મહેનત છે અને તેનું ચાલકબળ વિચાર છે. કઠોર પરિશ્રમ એટલે માત્ર શારીરિક શ્રમ નહીં, પરંતુ તન-મનની નિષ્ઠા. તેમણે લક્ષ્ય, અનુશાસન, સંઘર્ષ અને મહેનતને સફળતાના ચાર મજબૂત સ્તંભ ગણાવ્યા હતા. અતિથિ વક્તા તરીકે ઉપસ્થિત સજની નિટવેરના ભરતભાઈ પોલરાએ “મહેનત ઉગે છે” વિષય પર પોતાના અનુભવો વહેંચ્યા હતા. માત્ર ૨૦,૦૦૦ રૂપિયાની મૂડી અને ત્રણ સીવણ મશીનથી શરૂ કરેલી સફર આજે ૨૦ વર્ષની મહેનત બાદ ૩૦ કરોડથી વધુના ટર્નઓવરવાળી ‘સજની’ બ્રાન્ડ સુધી કેવી રીતે પહોંચી તેની વિગતો તેમણે આપી હતી. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય ટકતી નથી અને ગ્રાહકને વસ્તુ સાથે વિશ્વાસ આપવો તે જ સાચી સફળતા છે. આ અવસરે હીરા ઉદ્યોગની દિગ્ગજ કંપની ડીટીસી (ડ્ઢ્‌ઝ્ર) ના સાઈટ હોલ્ડર બનવાની સિદ્ધિ બદલ શિવમ જ્વેલર્સના ઘનશ્યામભાઈ શંકર અને તેમના પરિવારનું સન્માન પત્ર આપી વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. મંદી વચ્ચે છેલ્લા નવ વર્ષમાં ભારતની માત્ર એક જ કંપનીને સાઈટ હોલ્ડરશીપ મળી છે. ઉપરાંત, દાતા ટ્રસ્ટી બનવા બદલ અરજણભાઈ વઘાસિયાનું સન્માન કરાયું હતું. નારોલા જેમ્સના ધીરુભાઈ નારોલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડ અને અંકિત સુરાણીએ કર્યું હતું.