સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી યોજાતા વિચારોના વાવેતર કાર્યક્રમનો ૧૩૩મો થર્સ-ડે થાટ જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અતિથિ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જીવનમાં સંકલ્પની તાકાત વિશે પોતાના અનુભવો રજૂ કરતા જણાવ્યું કે, સંકલ્પની મોટી તાકાત હોય છે, પરંતુ સંકલ્પ કર્યા પછી શંકા કરવી નહિ તે સફળતાની ચાવી છે. આ પહેલાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, ઈચ્છા એ માત્ર વિચાર છે, પરંતુ દ્રઢ ઈચ્છા એ સંકલ્પ છે. તેમણે લક્ષ્ય પ્રાપ્તિ માટે “સંકલ્પ પંચામૃતનું સૂત્ર આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર અને ટ્રસ્ટી બાબુભાઈ જીરાવાળાએ પોતાના વતન જીરાગામના ખેડૂતોના ૩૦ વર્ષથી વિવાદીત પ્રશ્નમાં ગામના તમામ ખેડૂતોનું દેવું ભરપાઈ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તે બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.






































